Gujarat
જય સીયારામ : મોરારીબાપુની કથાનું રસપાન કરતા બ્રિટીશ વડાપ્રધાન
પવાર
કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ચાલતી રામકથામાં પહોંચતા ઋષિ સુનક ; વડાપ્રધાન તરીકે નહીં, હિન્દુ રૂપે આવ્યો છુ; વ્યાસપીઠે પુષ્પાંજલી અર્પણ કરી, આશિર્વાદ લીધા, આરતીમાં ભાગ લીધો
વિશ્વવિખ્યાત રામાયણી પૂ. મોરારીબાપુની કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ચાલતી રામકથામાં ખુદ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પહોંચ્યા હતા. જય સિયારામના ઉદગાર સાથે પોતે એક હિન્દુ તરીકે રામકથામાં આવ્યાનું જાહેર કર્યુ હતું. પૂ. મોરારીબાપુના આશિર્વાદ લીધા હતા અને સામાન્ય શ્રાવકની જેમ કથાનું રસપાન કર્યુ હતું. ઋષિ સુનક કથામાં પહોંચ્યા પછી સામાન્ય વ્યક્તિની જેમ જ મોરારિબાપુની સામે ખુરશીમાં બેઠા હતા. તેમણે કહ્યું કે, તેઓ વડાપ્રધાન તરીકે નહીં પરંતુ હિંદુ હોવાના લીધે કથા સાંભળવા આવ્યા છે.
ઋષિ સુનકે વ્યાસપીઠ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોતાના સંબોધનની શરૂઆત ઋષિ સુનકે જય સીયારામના નાદ સાથે કરી હતી. તેમણે કહ્યું, ‘વડાપ્રધાન તરીકે કામ કરવું ઘણું મુશ્કેલ હોય છે. કેટલાય અઘરા નિર્ણયો લેવા પડે છે, મુશ્કેલ કામ પાર પાડવા પડે છે. એટલે જ મને આશીર્વાદ આપો. મોરારિબાપુની કથામાં હાજરી આપવી મારા માટે સન્માન અને ખુશીની વાત છે.’ બ્રિટનના પીએમ ઋષિ સુનકે કહ્યું કે, તેમને બ્રિટિશ અને હિંદુ હોવા પર ગર્વ છે. તેમણે બાળપણમાં પોતાના પરિવાર સાથે મંદિર જવાની વાતને યાદ કરી. તેમણે કહ્યું કે, સૌથી મોટું મૂલ્ય કર્તવ્ય અથવા સેવા છે. જણાવી દઈએ કે, ઋષિ સુનકે મંચ ઉપર આરતીમાં ભાગ લીધો હતો. આ સિવાય મોરારિ બાપુએ પોતાની કામળી અને શિવલિંગ પણ ઋષિ સુનકને ભેટમાં આપ્યું હતું. મોરારિ બાપુની 9 દિવસની રામકથાનો કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રારંભ ગત શનિવારે થયો હતો અને 20 ઓગસ્ટે પૂર્ણાહુતિ થશે.
હું એમ માનતો હતો કે વધુ ટ્રાવેલીંગ કરૂ છુ પણ તમે તો…
ઋષિ સુનક કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં મોરારીબાપુની રામકથામાં નિશ્ચીત થયેલા બ્રિટીશ વડાપ્રધાન ઋષિ સુનકે પૂ. મોરારીબાપુની બાર જયોતિર્લિંગમાં યોજાયેલી રામકથાનો ખાસ ઉલ્લેખ કરીને નિખાલસતાથી એમ કહ્યું કે ‘મને એમ હતુ કે હુ જ વધારે ટ્રાવેલીંગ કરૂ છુ પરંતુ તમે તો રામકથા કરવા 12 જયોતિર્લિંગનું 12000 કિલોમીટરનું ભ્રમણ કર્યુ છે.