Bhavnagar
યુવરાજસિંહ મામલે જગદીશ ઠાકોરનું મોટું નિવેદન, ભાવનગરમાં જગદીશ ઠાકોરે સરકારને લીધી આડે હાથ
બરફવાળા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આગામી મે મહિનામાં સંગઠનના જુદા-જુદા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. સાથે જ તેમણે ડમીકાંડ મામલે થયેલી યુવરાજસિંહની ધરપકડને લઈ સરકારને આડે હાથ લીધી હતી. સાથે જ આગામી સમયમાં મે મહિનામાં સરકાર સામે મોરચો માંડવાના એંધાણ આપ્યા હતા. આજ રોજ ભાવનગર ખાતે કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર હાજર રહ્યા હતા. જ્યાં તેમણે યુવરાજસિંહના કથિત તોડકાંડ અને ડમીકાંડ મામલે નિવેદન કરતા સરકારને આડે હાથ લીધી હતી. તેમણે યુવરાજસિંહને સમર્થન આપતા કહ્યું હતું કે, તેમણે ડમીકાંડ કે અને પેપર ફુટવાના બનાવો કે કૌભાંડોમાં ગુનેગારો સુધી પહોંચવામાં અને તેને સજા આપવામાં સરકારને નિષ્ફળ ઠેરવી હતી.
તેમણે એવો દાવો કર્યો હતો કે, 27-27 પેપરો ફુટ્યા તેમાં જો સરકારે એકપણ વ્યક્તિને જો કાયદાકીય ગંભીર ગુનો દાખલ કરી અસરકારક સજા કરી હોત તો યુવાનોનો સરકાર પરથી વિશ્વાસ ન ઉઠ્યો હોત. તેમણે ઉમેર્યું હતું કે, “17 લાખ લોકોએ નોકરી માટેના ફોર્મ ભર્યા તેમાંથી 40 ટકા લોકોએ પરીક્ષા આપી, 60 ટકા લોકોને સરકાર ઉપરથી ભરોસો ઉઠી ગયો. હાલ જે પ્રકારે યુવરાજસિંહની ધરપકડ થઈ અને જે કાર્યવાહી અને પૂછપરછનો દોર ચાલી રહ્યો છે, તે અનુસંધાને તેમણે આકરી ટીપ્પણી કરી હતી. યુવરાજ સિંહ પર 1 કરોડ રૂપિયાનો તોડ કર્યાના આક્ષેપો થયા અને એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. જેમાં ખંડણીની રકમ પણ જપ્ત કરાઈ રહી છે તે બાબતે તેમણે સરકારને આંગળી ચીંધીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે, “રૂમમાં બેસીને જે કંઈ તમે તપાસ કરો છે. ત્યારે મીડિયાને હાજર રાખીને તપાસ કરો ને, દાખલો એવો તો બેસાડો કે ગુનેગારોને અમે છોડવાના નથી”. આમ કહીને તેમણે પણ જાણે યુવરાજસિંહને ફસાવવા માટેનું કોઈ રાજકીય ષડયંત્ર રમાઈ રહ્યું હોય તે દિશામાં નિશાન તાક્યુ હતું. મહત્વનું છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આગામી મહિનામાં સરકાર વિરૂદ્ધ મોરચો માંડવાની વાત કરી છે. જેમાં તેમણે જણાવ્યુ હતું કે કોંગ્રેસ બેરોજગાર યુવકોને વાચા આપવાનુ કામ કરશે.