Bhavnagar
વલ્લભીપુરમાં LCBએ વિદેશી દારૂનો જથ્થો ભરેલા આઈશર ટ્રક સાથે એકને ઝડપી લીધો ; રૂ.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દેવરાજ
વલ્લભીપુર તાબેના લાખણકા ગામ નજીક ઢાળ પાસેથી એલ.સી.બી.એ વિદેશી દારૂનો જથ્થો ભરેલા આઈશર ટ્રક સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ. 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી. પોલીસ કાફલો ગત રાત્રીના વલભીપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઢસા ગામથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલ આઇસર ટ્રક વલ્લભીપુર તરફ આવી ગયો છે.
જે બાતમીના આધારે એલ.સી.બી.સ્ટાફે લાખણકા ગામના ઢાળ પાસે વોચમાં રહીને બાતમી વાળો આઇસર ટ્રક નં. જી.જે.10 – ટીટી 8546 ને અટકાવી ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલ.સી.બી.એ વિદેશી દારૂનો જથ્થો, આઇસર ટ્રક, મોબાઈલ ફોન, એરટેલ કંપનીનું રાઉટર મળી કુલ રૂ.16,61,460 ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલક છગનલાલ મનુની ધરપકડ કરી તેની વિરુદ્ધ વલભીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે યોગેશભાઇ ચેલારામ રાજાઇને પકડવાનો બાકી છે.