Sihor
બપોર બાદ સિહોર શહેરમાં ભારે પવન સાથે વરસાદ આવતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ – પંથકના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
દેવરાજ
બપોરના ચાર વાગ્યા આસપાસ કમોસમી ધોધમાર વરસાદની દે-ઘનાધન ; ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ, સિહોર સાથે પંથકના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો : ખેડૂતોની કફોડી સ્થિતી – વિજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને લઈ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા, વાહન ચાલકો ત્રાહિમામ
સિહોરમાં બપોર ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ફરીવાર વિજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર કમોસમી બેટિંગ શરૂ કરી હતી. શહેર અને પંથકમાં આજે બુધવારે કમોસમી ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો.
શહેર સાથે પંથકના કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાના પગલે ખેડૂતોની સ્થિતી કફોડી થઈ છે. વરસાદના કારણે સિહોર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતાં. કમોસમી વરસાદની આગાહીના પગલે આજે બુધવારે શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટાંથી લઈ ધોધમાર માવઠું વરસ્યું હતું. સિહોર શહેરમાં સાંજના ચાર વાગ્યાના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વડલાચોક, બસટેન્ડ, ટાણાચોકડી, સુરકાના દરવાજા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાય ગયા હતાં. આશરે પોણા કલાક વરસાદ વરસ્યો હતો તેથી રોડ પર પાણી ફરી વળ્યા હતાં. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા અને રાહદારીઓ પણ કચવાટ કરી રહ્યા હતાં.
ઉપરાંત સિહોર તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો હોવાનુ સુત્રોએ જણાવેલ છે. ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ઘઉં, કેરી સહિતના પાકને મોટુ નુકશાન થવાની ભીતિ છે તેથી ખેડૂતોમાં નિરાશા ફરી વળી છે.કમોસમી વરસાદના પગલે પાક બગડી જવાની શકયતા છે તેથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને કમોસમી વરસાદ બંધ થાય તો સારૂ તેવી ખેડૂતો સહિતના પ્રાર્થના કરી રહ્યા છે.