Sihor
સિહોરમાં કોંગ્રેસ દ્વારા પાણી પ્રશ્ને નગરપાલિકામાં ધમાસાણ, હલ્લાબોલ, દેકારા-પડકાર, સૂત્રચાર

પવાર
એક સમયે કોંગ્રેસ કાર્યકરોનો આક્રોશ જોતા પોલીસ બોલાવવી પડી, ચીફ ઓફિસરને રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના લોકો સાથે થઈ હુસાતુસી, પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોની કરી ટીંગાટોળી, કાર્યકરોએ નગરપાલિકા ગજવી દીધી
સિહોર ખાતે વર્ષો જુનો પાણીનો પ્રશ્ન ફરી ઉનાળો આવતાની સાથે વેગ પકડી રહ્યો છે. સિહોરમાં છેલ્લા ૧૨ દિવસથી નગરપાલિકા દ્વારા પાણી નું વિતરણ કરવામાં ન આવ્યું હોય તેમજ જયારે પાણી વિતરણ કરે ત્યારે ફિલ્ટર વગરનું એટલેકે ડહોળું-વાસ મારતું અને જંતુ યુક્ત પાણી આવતું હોય જેથી આજે સિહોર કોંગ્રેસ પ્રમુખ કાર્યકરો તેમજ ગ્રામજનોને સાથે રાખી પાણી નગરપાલિકા ચીફ ઓફિસરને ભારે સુત્રોચ્ચાર સાથે રજૂઆત કરવા પહોચ્યા હતા.
જ્યાં ચીફ ઓફિસર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પાણી પ્રશ્ન અંગે હુંસાતુંસી થઇ હતી. જયારે ચીફ ઓફિસરના જવાબને લઇ કોંગ્રેસના કાર્યકરોને સંતોષ ન થતા તેઓ ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી ગયા હતા અને ભારે હલ્લાબોલ કરતા પોલીસ બોલાવવી પડી હતી.
જયારે પાણીનો પ્રશ્ન સિહોર શહેર નો હોય અને જેમાં નગરપાલિકા આ પ્રશ્ન ને ઉકેલવામાં નિષ્ફળ હોય ત્યારે પોલીસે બંને તરફી સમજાવટ કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોંગ્રેસના કાર્યકરો એકના બે ના થતા તેમની ટીંગાટોળી કરી બહાર લઇ જવાયા હતા જયારે આ મામલે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખે ૮ દિવસમાં પાણીનો પ્રશ્ન ઉકેલવા ટેન્કર મારફતે સિહોરના તમામ વિસ્તારોમાં પાણી આપવા તાકીદ કરી હતી અન્યથા ચીફ ઓફિસરનો ઘેરાવ અને પાલિકાને તાળાબંધી ની ચીમકી ઉચ્ચારી હતી.