Sihor
સિહોર શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઇટો બંધ રહેતા માત્ર શોભાના ગાંઠીયા સમાન બની

દેવરાજ
- વરસાદના સમયે અંધારાના કારણે અકસ્માતની ભીતિ, ચાલકો અને રાહદારીઓ પરેશાન
સિહોર શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાખ્ખોના ખર્ચે નખાયેલ સ્ટ્રીટલાઇટ શોભાના ગાંઠીયા સમાન બની છે. સાંજ ઢળતા રસ્તાઓ અંધારામાં ગરકાવ થઇ જાય છે અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્ટ્રીટ લાઇટના અભાવે નાના-મોટા અકસ્માતો પણ વધ્યા છે. સિહોર નગરપાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાના ખર્ચે શહેરના મુખ્ય રોડ પર તેમજ ખાંચા ગલીઓમાં ઓછા વધુ વોલ્ટની એલઇડી લાઇટ ફીટીંગ કરેલ છે તેમજ શહેરના મુખ્ય ચોકમાં લાઇટીંગ ટાવરો અને બન્ને સાઇડ એલઇડી લાઇટ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં છે.
રોડ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતા હોય છે. લાઇટના અભાવે નાના-મોટા અકસ્માત થતા હોય છે મુખ્ય માર્ગ સહિત અનેક વિસ્તારોમાં અવાર નવાર સ્ટ્રીટ લાઇટ બંધ હોય છે. સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતા ચાલુ થઇ નથી. વાસ્તવિકમાં નગરપાલિકા તંત્ર સામાન્ય સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધા આપવામાં પણ રસ ન ધરાવતી ન હોય તેવું લોકો મહેસુસ કરી રહ્યા છે. શહેરની બંધ તમામ લાઇટ પુન ચાલુ થાય તેવું પ્રજાજનો ઇચ્છી રહ્યા છે.