Bhavnagar
ભાવનગરમાં અંધ વિદ્યાર્થીને ઢોરમાર મારવા મુદ્દે સંસ્થા બચાવમાં ઉતરી, આવતીકાલે કલેકટરશ્રીને મળી કરશે રજુઆત

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગશાળામાં અંધ વિદ્યાર્થી સાથે મારઝૂડની ઘટના સામે આવી હતી. લાંબી ચર્ચાઓ બાદ પોલીસે આ મામલે પીડિતના પરિવારની અરજી લઈ તપાસ હાથ ધરી હતી. આ મામલે અંધઉદ્યોગ સંસ્થાના તંત્ર પર પણ સવાલ પેદા થયા હતા જેને કારણે હવે સંસ્થા પણ પોતાના બચાવમાં ઉતરી કલેકટરશ્રીને રજુઆત કરવાની તૈયારી કરી રહી છે. ભાવનગરની અંધઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા 13 વર્ષના સગીર વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં વિદ્યાર્થીના જણાવ્યા મુજબ સિનિયર વિદ્યાર્થીઓએ ચોરીનો આળ મૂકી રૂમ બંધ કરી પટ્ટા અને પાઇપ વડે માર માર્યો હતો. પીડિત અને તેના પરિવારનો આક્ષેપ હતો કે, માર માર્યા બાદ તેને રૂમમાં નગ્ન અવસ્થામાં ગોંધી રાખવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસની નિરસતાને લઈ પણ સવાલ ઉઠ્યા હતા. સાથે જ શાળાના પ્રિન્સિપલ અને ટ્રસ્ટીની ભૂમિકા પર પણ સવાલ પેદા થયા હતા. જેને ધ્યાને રાખી ટ્રસ્ટી મંડળ અને સંસ્થા સાથે જોડાયેલા લોકોએ કલેકટર કચેરી ખાતે આવેદન પાઠવવાની જાહેરાત કરી છે. જેની માહિતી આપતા અખબારી યાદીમાં સંસ્થાના ટ્રસ્ટી લાભુભાઈ સોનાણી દ્વારા જણાવાયું છે કે, આવતીકાલે સવારે ચોરીનાં મામલે અંધ વિદ્યાર્થીઓની થયેલ મારામારી બાબતે આવારા તત્વો દ્વારા આક્ષેપો-પ્રતિઆક્ષેપો દ્વારા રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યાં છે. જેથી પ્રજ્ઞાચક્ષુઓનાં કલ્યાણ માટે સંસ્થાની પ્રવૃતિઓને અસર ન થાય તેવા હેતુથી ભાવનગર જીલ્લા કલેકટરશ્રીને ‘કાયદો કાયદાનું કામ કરે તે રીતે કાર્યવાહી થાય’ તેવી રજૂઆત કરવા સંસ્થા પરિવાર મુલાકાત કરી રજુઆત કરશે.