Bhavnagar
ભાવનગર ; વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટનામાં 4 સામે ગુનો દાખલ

પવાર
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ઉપર ચોરી કર્યાનો આક્ષેપ મુકી અમાનવિય અત્યાચાર ગુજારાયો – શહેરની અંધ ઉદ્યોગ શાળામાં બે દિવસ પૂર્વે સિનિયર વિદ્યાર્થીઓએ પટ્ટા અને પાઈપથી માર મારતા વિદ્યાર્થી હોસ્પિટલમાં દાખલ કરવો પડયો
ભાવનગર શહેરની અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર ચોરીનો આક્ષેપ કરી ચાર સિનિયર વિદ્યાર્થીએ ઢોર માર માર્યાની ચકચારી ઘટનામાં આખરે પોલીસ ફરિયાદ થઈ છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાળુભા રોડ પર આવેલ અંધ ઉદ્યોગ શાળામાં અભ્યાસ કરતા એક પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ગત ૨૫મી ડિસેમ્બરના રોજ પોતાના રૂમ નં.૧૧માં હાજર હતો. ત્યારે તે જ શાળામાં ધો.૧૨માં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ આવી રૂમ નં.૧૪માં લઈ ગયો હતો અને અહીં અન્ય ત્રણ વિદ્યાર્થીઓ સાથે મળી ચારેય વિદ્યાર્થીએ તેને ચોરી કર્યાનું કબૂલવાનું કહેતા વિદ્યાર્થીએ ચોરી કરી ન હોવાનું જણાવ્યું હતું.
જેથી ચારેય વિદ્યાર્થીએ પટ્ટા અને પાઈપ વડે વિદ્યાર્થીને આડેધડ ઢોર માર મારી કોઈને વાત કરીશ તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. બાદમાં અમાનવિય અત્યાચારનો ભોગ બનેલા વિદ્યાર્થીને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ભોગગ્રસ્ત વિદ્યાર્થીના પિતા રવજીભાઈ ધનજીભાઈ ડાવાણી (ઉ.વ.૩૯, રહે, સિહોર)એ દિકરાને ઢોર માર મારનાર ચારેય વિદ્યાર્થી સામે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૬ (ર), ૧૧૪ અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓની શાળામાં બનેલા બનાવને લઈ સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે.