Bhavnagar
ભાવનગર જિલ્લામાં 43 ડિગ્રી ગરમી વચ્ચે જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવાયો ; ગરમ પવને હાલત બગાડી

પવાર
ગરમીએ પરસેવો છોડાવ્યો, લોકો ઘરમાં કેદ થયા, છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો ઉંચકાતા પરેશાન, લોકો માટે બપોરે ઘરની બહાર પણ નીકળવું મુશ્કેલ બન્યું, લૂ લાગવાના બનાવો વધ્યા
ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યાં છે. આજે ૪૩ ડીગ્રી પર પહોંચી ગયું હતું. આકરી ગરમી અને લૂ ફેંકતા ગરમ પવનનો માહોલ સર્જાયો છે. મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતા બપોરના સમયે શહેરના રાજમાર્ગો સૂમસામ ભાસી રહ્યાં છે. બપોરના ૧૨-૦૦ થી ૫-૦૦ દરમ્યાન માર્ગ ઉપર વાહનોની અવરજવર નહિંવત્ જોવા મળી રહી છે. ગરમીના કારણે ગરીબ વર્ગની હાલત કફોડી બનવા પામી છે.
બપોરના સુમારે ગરીબવર્ગ વૃક્ષ કે કોઈ ઈમારતના છાંયડામાં સમય પસાર કરતા નજરે પડી રહ્યાં છે. ગરમીના કારણે શેરડીના રસ, ઠંડા પીણાની દુકાનો પર ગ્રાહકોની ભીડ વધવા પામી છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન વધુ રહેતા ગરમી સામે સાવચેતી રાખવા નગરજનોને અપીલ કરાઈ છે. ગરમીનું જોર વધતા સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. સાથે સાથે વૃધ્ધો અને અશક્તિનો અનુભવ કરતા નાગરિકોની શારિરીક તકલીફો વધવા પામી છે. સાથે સાથે કામ વગર બહાર ન નીકળવા અને અગત્યના કામ માટે જો નીકળવું પડે તે માથું, મોં વગેરે ઢાંકીને બહાર નીકળવું તેમજ તાવ સહિતની સમસ્યા અનુભવાય તો સત્વરે તબીબ કરવા અનુરોધ છે