Bhavnagar
ભાવનગરમાં વધુ એક પરીક્ષામાં ગેરરીતિ, MKB યુનિવર્સિટીમાં ઉત્તરવહી પરીક્ષાખંડની બહાર મળી

બરફવાળા
આ બધું કોની રહેમનજર હેઠળ.? વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી મળી આવી ઉત્તરવહી, MKB યુનિવર્સિટી પર ભીનું સંકેલવાનો આક્ષેપ
રાજ્યમાં વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિના છબરડા બંધ થવાનું નામ જ ન લેતા હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે રાજ્યમાં વધુ એક પરીક્ષાનો પેપરલીક થયાની ઘટના સામે આવી છે. ભાવનગરમાં MKB યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષામાં ગેરરીતિ થવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, શાળાની પરીક્ષાઓ હોય કે પછી કોલેજની પરીક્ષા હોય તમામ પરીક્ષાઓમાં છેલ્લા ઘણા સમયથી પેપર લીક થવાની અને ગેરરીતિ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ તમામ ઘટનોમાં એપી સેન્ટર ભાવનગર હોય તેમ મોટા ભાગે પરીક્ષામાં ગેરરીતિના છેડા ભાવનગર જઈને અટકી જાય છે. આજે પણ ભાવનગરની MKB યુનિવર્સિટીમાં (MKB University) M.COM અને B.COM ની પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરની MKB યુનિવર્સિટીમાં હાલ બી.કોમ અને એમ.કોમના એક્સટર્નલ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે પરીક્ષા ખંડની બહાર ઉત્તરવહી મળી આવતા સેનેટ સભ્ય દ્વારા પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.એક વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી 6 ઉત્તરવહી મળી આવી હતી. જેના કારણે પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સેનેટ સભ્ય મહેબૂબ બ્લોચે જણાવ્યું હતું કે, આ ઉત્તરવહીઓ બહાર મળી આવી તે પરીક્ષામાં ગેરરીતિ તરફ ઈશારો કરે છે. આ ઉત્તરવહી કયા બ્લોકમાંથી બહાર આવી હતી તે પણ એક સવાલ છે અને સૌથી મોટો સવાલ એ છે કે આ ઉત્તરવહી બહાર કોણ લઈ ગયું? જો ઉત્તરવહી બહાર ગઈ તો સુપરવાઇઝરે સેન્ટર ઇન્ચાર્જને આ અંગે ફરિયાદ કેમ કરી ન હતી?” અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર પોલીસ હાલ ડમીકાંડ અને ડમીકાંડમાં થયેલા તોડકાંડની તપાસ કરી રહી છે. જેમાં યુવરાજસિંહ કે જેઓ અત્યાર સુધી પરીક્ષામાં ગેરરીતિઓ અને પેપર ફૂટવાની ઘટનાઓ સામે લાવતા હતા, તેમની સામે હાલ ડમીકાંડમાં ધમકી આપીને ખંડણી કરવાનો આરોપ લાગ્યો છે.
યુવરાજસિંહની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પણ તપાસ ચાલી રહી છે. ત્યારે હવે વધુ એક પરીક્ષામાં ગેરરીતિની તપાસ થશે કે આ પણ અન્ય પરીક્ષાઓની જેમ આ કાંડ પણ માત્ર બે દિવસ અહેવાલોમાં ચાલશે અને પછી બધા ભૂલી જશે?
સળગતા સવાલ
પરીક્ષાની ઉત્તરવહી બહાર કેવી રીતે ગઈ?
આ ઉત્તરવહીને બહાર કોણ લાવ્યું?
ક્યાં બ્લોકમાંથી ઉત્તરવહી બહાર ગઈ?
ઉત્તરવહી બહાર જવાની સુપર વાઈઝરે ફરિયાદ કેમ ન કરી?
શું યુનિવર્સિટીના સત્તાધીશોની રહેમ નજર હેઠળ ઉત્તરવહી બહાર ગઈ?
ઉત્તરવહી બહાર લઈ જનારા વિરુદ્ધ કાર્યવાહી થશે?
હોંશિયાર વિદ્યાર્થીઓ સાથે ક્યાં સુધી અન્યાય થશે?