Gujarat
અમૃતસર-જામનગરનો એક્સપ્રેસ વે કેવી રીતે સાબિત થશે ગેમચેન્જર ? રાજસ્થાનના ભાગનું આજે ઉદ્ઘાટન કરશે પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય પ્રવાસના બીજા દિવસે આજે અમૃતસર-જામનગર ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવેના એક ભાગનું ઉદ્ઘાટન કરશે. અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોર તરીકે ઓળખાતા આ એક્સપ્રેસ વેને ગેમ ચેન્જર માનવામાં આવી રહ્યો છે. આ એક્સપ્રેસ વે દ્વારા દેશના ચાર રાજ્યોને નક્કર કનેક્ટિવિટી મળશે ત્યારે ગુજરાતના દરિયાકાંઠે આવેલા કંડલા પોર્ટથી અમૃતસરનું અંતર આગામી દિવસોમાં અડધા દિવસમાં કવર થઈ જશે. આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 1256 કિમી છે. તેનો 915.85 કિલોમીટરનો ભાગ ગ્રીનફિલ્ડ એલાઈનમેન્ટ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે, બાકીનો ભાગ પહેલેથી જ રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે. તેમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ હાઇવેના નિર્માણથી આર્થિક ગતિવિધિઓને વેગ મળવાની અપેક્ષા છે.
વિકાસ સાથે પ્રવાસન પણ વધશે
અમૃતસર-જામનગર ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવે જે એક આર્થિક કોરિડોર છે. રાજસ્થાનમાં તેની લંબાઇ 500 કિમીથી વધુ છે, જે હનુમાનગઢ જિલ્લાના જાખડાવલી ગામથી જાલોર જિલ્લાના ખેતલાવાસ ગામ સુધી વિસ્તરેલી છે. તે લગભગ 11,125 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. એક્સપ્રેસ વે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને મોટા શહેરો અને ઔદ્યોગિક કોરિડોર વચ્ચે પરિવહન જોડાણમાં સુધારો કરશે. એક્સપ્રેસ-વે માત્ર માલસામાનના સીમલેસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહીં આપે, પરંતુ પ્રવાસન અને આર્થિક વિકાસને પણ વેગ આપશે.
80 હજાર કરોડનો પ્રોજેક્ટ
અમૃતસર-જામનગર ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસવે પણ ગુજરાતના કંડલા પોર્ટને જોડશે. આવી સ્થિતિમાં કંડલા પોર્ટને ચાર રાજ્યોની સીધી કનેક્ટિવિટી મળશે. આ 1256.951 કિલોમીટર લાંબા પ્રોજેક્ટર પર 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. તે 2025 સુધીમાં પૂર્ણ અને તૈયાર થઈ જશે. આ બાંધકામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા કરવામાં આવી રહ્યું છે. પંજાબના કપૂરથલા જિલ્લાના ટિબ્બા ગામથી શરૂ થઈને જામનગરમાં સમાપ્ત થાય છે. આ એક્સપ્રેસ વે ખાનગી ક્ષેત્રની કંપનીઓને ઘણો ફાયદો થવાની આશા છે. જામગરમાં રિલાયન્સની સૌથી મોટી સ્થાપના છે. આવી સ્થિતિમાં કંડલા પોર્ટ અને રિલાયન્સને પણ તેનો ફાયદો મળશે. તો ત્યાં રાજસ્થાનને નવી હાઈસ્પીડ કનેક્ટિવિટી મળશે. દિલ્હી અને પંજાબની સાથે ગુજરાતથી બિકાનેર તરફની અવરજવર સરળ બનશે.
માત્ર 13 કલાકમાં અંતર કાપવામાં આવશે
એકવાર આ એક્સપ્રેસ વે પૂર્ણ થયા બાદ અમૃતસરથી જામનગરનું અંતર 1,430 થી ઘટીને માત્ર 1,256 કિમી થઈ જશે. આટલું જ નહીં અત્યાધુનિક હાઈવેને કારણે અમૃતસરથી જામનગરની મુસાફરી 26 કલાકથી ઘટીને માત્ર 13 કલાક થઈ જશે. આ એક્સપ્રેસ વેથી અમૃતસર, બિકાનેર, કચ્છ અને જામનગરને સૌથી વધુ ફાયદો થશે. આ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે ગુજરાત ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના 15 જિલ્લામાંથી પસાર થશે.