Sihor
સિહોર શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
દેવરાજ
- ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ : મહુવામાં એક ઇંચ સિહોરમાં અડધો ઇંચ વરસાદ : જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા ભારે ઝાપટા વરસી ગયા
ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. આજે સિહોર શહેર અને તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સિહોર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. સિહોર શહેર અને આસપાસના વિસ્તારમાં આજે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા. મેઘમહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો પંથકમાં પણ વરસાદની શરૂઆત થઈ છે.
અનેક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાલુકામાં અનેક ગામોમાં ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વરસાદ નહિ પડતા ખેડૂતો સતત ચિંતિત જોવા મળી રહ્યા છે. મેઘો અન્ય વિસ્તારમાં ધમરોળી રહ્યો છે. પરંતુ હજુ અનેક વિસ્તાર વરસાદ વગરના કોરાધાકોર જોવા મળી રહ્યા છે. જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટાથી લઈ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. મહુવામાં એક ઇંચ અને સિહોરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઈ રહ્યો છે.
આજે બપોરે જિલ્લાના મહુવા અને સિહોરમાં વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા. ભાવનગરમાં આજે સવારના છ થી સાંજના છ દરમ્યાન મહુવામાં 30 મી.મી., ઉમરાળામાં 5 મી.મી. જેસરમાં 1 મી.મી. વલભીપુરમાં 7 મી.મી. ભાવનગર શહેરમાં 5 મી.મી. ઘોઘામાં 2 મી.મી. સિહોરમાં 11મી.મી. ગારીયાધારમાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી રહેવા પામ્યું હતું. ત્યારે લઘુત્તમ તાપમાન 26.2 ડીગ્રી નોંધાયું છે .જ્યારે વાતાવરણમાં ભેદ નું પ્રમાણ 93% રહ્યું હતું. અને પવનની ઝડપ 12 કી.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.