Sihor
સિહોરના રાજપરા ગામે ઐતિહાસિક જનમેદની વચ્ચે માયાભાઈ આહીર અને રાજભા ગઢવીની જુગલબંધીની ભારે જમાવટ
કુવાડિયા
મેંજળકા ડાંગર પરિવાર આયોજિત ભવ્ય લોકડાયરામાં ગુજરાત ભરમાંથી પધારેલા સંતો- મહંતો- રાજકીય દિગ્ગજ નેતાઓ- સામાજિક સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિ, ડાયરામાં લાખ્ખો રૂપિયાની ઘોર થઈ
સિહોરના રાજપરા ગામે મેંજળકા ડાંગર પરિવાર આયોજિત શ્રી ચામુંડા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગઈકાલે રંગ કસુંબલ ડાયરામાં માયાભાઇ આહીર તથા રાજભા ગઢવીએ ભારે જમાવટ કરી હતી. ગુજરાતના ઘરેણા સમાન અને વિશ્વ ખ્યાતી પામનારા સુપ્રસિદ્ધ લોકગાયક માયાભાઈ આહીર અને રાજભા ગઢવીની જુગલ જોડી એ એવી તે જમાવટ કરી કે ઉપસ્થિત ઐતિહાસીક જનમેદનીએ બન્ને કલાકારોની ભવ્ય રંગત માણીને આફરીન થઈ ગયા હતા.
એટલૂં જ માત્ર નહીં, ગુજરાત રાજ્યભરમાંથી સંતો-મહંતો રાજકીય દિગ્ગજ નેતાઓ સેવાકીય સંસ્થાના અગ્રણી વહીવટી તંત્રના અધિકારીઓ વગેરેએ ઉપસ્થિત રહીને લોકડાયરાની રંગત માણી હતી, અને કલાકોના કલાકો સુધી ચાલેલા લોકડાયરાના માહોલમાં કૃષ્ણ ભક્તિના રંગે સૌ કોઈ રંગાઈ ગયા હતા. એક પછી એક કૃષ્ણ ભક્તિના ગીતો અને ભજનોના સહારે તમામ શ્રોતાગણ મંત્રમુગ્ધ બની ગયા હતા. ભજન,સંતવાણીમાં રસ તરબોળ કર્યા હતા.
આ લોક ડાયરામાં અનેક પ્રાચીન છંદ,દુહા તેમજ ધાર્મિક ગીતો અને ગરબાથી લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. અને ચઢતા પહોર સુધી હકડેઠઠ જનમેદની વચ્ચે જાણે આખો વિશાળ સમિયાણો ટૂંકો પડ્યો હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું. આ કાર્યક્રમને લોકોએ વહેલી સવાર સુધી મન ભરીને માણ્યો હતો. બંને કલાકારોએ મંચ પરથી એક પછી એક રજૂ થતી સંગીતસભર કૃતિ સાંભળીને ભાવવિભોર બન્યા હતા. લોકડાયરામાં ગુજરાત રાજ્યભરમાંથી અનેક રાજકીય આગેવાન સંતો મહંતો વગેરેએ હાજરી આપી હતી.
આ વેળાએ જીતુભાઇ વાઘાણી, રાજુભાઈ રાણા, નરેનભાઈ સાંગા, કલ્પેશભાઈ ડાંગર, પેથાભાઈ ડાંગર, ભલાભાઈ ચાવડા, રણધીરસિંહ ઝાલા, માસાભાઈ ડાંગર, પ્રતાપભાઈ હુંબલ, મિલન કુવાડીયા, સાદુળભાઈ કુવાડીયા, રાકેશભાઈ શેલાણા, કમલેશ ઉલવા, સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા, રાજપરા ગામે મેંજળકા ડાંગર પરિવાર આયોજિત શ્રી ચામુંડા માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાડા ત્રણ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા મેંજળકા ડાંગર પરિવારના સભ્યો, અગ્રણીઓ આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી