Bhavnagar
આરોગ્ય સાથે ચેડાં કરનાર ઝડપાયા ; ઉમરાળામાં આરોગ્ય વિભાગે બે વર્ષથી ચાલતી ગેરકાયદેસર લેબોરેટરી ઝડપી પાડી, બે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો

પવાર
ઉમરાળા તાલુકામાં આવેલા પશુ દવાખાનાની પાછળની દુકાનમાં રેડ પ્લસ નામથી ચાલતી ગેરકાયદેસર લેબોરેટરી આરોગ્ય વિભાગની ટીમે ઝડપી લીધી હતી. લેબોરેટરીના સંચાલક સહિત બે શખ્સ વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ઉમરાળા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પી.એચ.સીના મેડિકલ ઓફિસર માર્ગીબેન રશ્મીકુમાર બાવીસીએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ભાવનગર જિલ્લાના ઉમરાળાના પશુ દવાખાનાની પાછળ દુકાન રાખી છેલ્લા બે વર્ષથી રેડ પ્લસ નામની ગેરકાયદેસર લેબોરેટરી ચાલતી હોવાનું આરોગ્ય વિભાગના ધ્યાને આવતા, વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ ડો. એમ.જે. ફેન્સી, જિલ્લા રોગચાળા અધિકારી ડો. એસ.એન.પટેલ અને રંઘોળા પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો.માર્ગીબેન રશ્મિકુમાર બાવીશી સહિતની ટીમે પ્રાગજીભાઈ લાલજીભાઈ મીયાણીની માલિકીના રહેણાંકના મકાનમાં તપાસ કરી ત્યાં યોગ્ય લાયકાત ન હોવા છતાં રેડ પ્લસ નામથી લેબોરેટરીનું કામકાજ કરતા મોહમ્મદ ઈરફાન મોહમ્મદ ખોરજીયા રહે.રૂવાપરી રોડ, મોમીનવાડ, ભાવનગરના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા શાહરુખભાઈ હાજીભાઈ સૈયદ રહે.ઉમરાળા વાળો મળી આવ્યા હતા.
40 જેટલા લેબોરેટરી ટેસ્ટ બિનઅધિકૃત રીતે કર્યા
તેમજ લેબોરેટરીમાં આશરે 3.5 કિલોગ્રામ જેટલો જૈવિક કચરો પણ મળી આવ્યો હતો. આ ઇસમે યોગ્ય લાયકાત ન હોવા છતાં 40 જેટલા લેબોરેટરી ટેસ્ટ બિનઅધિકૃત રીતે કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કર્યા હોવાનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસમાં ખુલ્યું હતું. આ અંગે બંને શખ્સો વિરુદ્ધ આઈપીસી 269, 270 અને 114 મુજબ ઉમરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.