Sihor
ગુરૂ મેરી પૂજા, ગુરૂ ગોવિંદમ, ગુરૂ મેરા પારબ્રહ્મ, ગુરૂ ભગવંત.. : ગુરૂ પૂર્ણિમાની ભાવ સભર ઉજવણી

સિહોરમાં ઠેર ઠેર ગુરુ પૂજન, પાદૂકા પૂજન, ભજન, સત્સંગના કાર્યક્રમો : શાળા કોલેજોમાં પણ ઉજવાયુ ગુરૂ પર્વ, ગુરૂપૂજન, ધુન, ભજન, કિર્તન, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી, લોકડાયરો સહિતના કાર્યક્રમોમાં ભાવિકોની ઉપસ્થિતી
અજ્ઞાનના અંધકાર દુર કરી જ્ઞાનના અજવાળા પાથરે એવા સમર્થ ગુરુજનોને વંદન કરવાનો આજે મહામુલો અવસર એટલે ગુરૂપૂર્ણીમાં! આજે આવો પાવનકારી દિવસ હોય શહેરભરમાં ગુરૂપૂજન, ગુરૂવંદના અને ભક્તિ સત્સંગના કાર્યક્રમોનું આયોજન થયુ છે. ગુરૂભક્તિમાં શિષ્યો ઓળઘોળ બન્યા છે. શહેરમાં ઠેરઠેર આજે ગુરૂ પૂજનના કાર્યક્રમો થયા હતા. મહાપ્રસાદ તેમજ ભજન, સત્સંગના કાર્યક્રમો પણ આયોજીત થયા છે. ભાવિકોએ ભાવસભર ગુરૂ વંદના કરી હતી. શાળા કોલેજોમાં પણ ગુરૂ પર્વની ઉજવણી કરાઇ હતી. આજે ગુરૂપૂર્ણિમા પર્વની ભવ્યતાથી ઉજવણી થઇ રહી છે. ભાવિકો દ્વારા ગુરૂપૂજન, ધુન, ભજન, કિર્તન, મહાઆરતી, મહાપ્રસાદ, સંતવાણી, સહિતના કાર્યક્રમો યોજાયા છે.
(1)
સિહોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલમાં ગુરૂપૂર્ણિમાની ધામધૂમથી ઊજવણી.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર: ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ: ગુરુપૂર્ણિમાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજે જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલમાં ધોરણ – 1 થી 9 ના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ રીતે ગુરૂપૂર્ણિમાની ઊજવણી કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂર્ણિમાને અનુસરીને ગુરૂવંદના, ગુરૂપૂર્ણિમાનું મહત્વ, શ્લોક, ડાન્સ, નાટક, વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેમાં ભાગ લઈ અને કાર્યક્રમને સફળ બનાવેલ. જેમાં શાળાનાં ટ્રસ્ટી શ્રી વી.ડી.નકુમ પ્રિન્સીપાલ અને સ્ટાફગણે પણ સારી જહેમત ઉઠાવી અને કાર્યક્રમ ને સફળ બનાવેલ.
(2)
સિહોર ટાણા ચોકડી પાસે આવેલ બજરંગદાસ બાપા મઢુલી ખાતે ગુરૂ પૂર્ણિમા ઉજવણી
સિહોર ટાણા ચોકડી પાસે આવેલ બજરંગદાસ બાપાની મઢુલીએ ગુરૂ પૂર્ણિમાના પાવન દિવસે શ્રદ્ધાળુને પ્રસાદ વહેચી બાપાની આરતી ઉતારવામાં આવી. અહિના રાજપુત સોસાયટીનાં સેવાભાવિ બહેન દીકરીઓએ રામ ધૂન બોલાવી સેવક સમુદાય દ્વારા ભવ્યાતી ભવ્ય ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ટાણા ચોકડી પાસે પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓએ બજરંગદાસ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવેલ. આમ આજના પવિત્ર દિવસે ઠેર ઠેર ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુના સાનિધ્યમાં રહેવાથી સુખ, સમૃદ્ધિ તેમજ જ્ઞાનના ભંડાર મળી શકે છે. ગુરૂ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહરી ગુરુદેવની ગોવિંદ દિયો બતાય. ગુરૂના ચરણોમા ખુબ શંતિં મળે છે ત્યારે આવો આપણે સૌ ગુરૂ ચરણોમા વંદન કરીએ.
(3)
સિહોર શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી
આજે ગુરુપૂર્ણિમા પર્વ નિમિતે સિહોર શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ – સેન્ટ મેરી સ્કૂલ- આશ્રમશાળાના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ ગુરુવંદના- સ્તુતિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. દરેક ગુરુજનોનુ કુમકુમ તિલક કરી,આરતી ઉતારી.દરેક વિદ્યાર્થીઓએ તાલીઓના ગડગડાટથી ગુરુઓને સત્કાર્યા. આ પ્રસંગે ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા ગુરુપૂર્ણિમાના મહત્વને દર્શાવતી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોએ સુંદર પ્રવચન આપ્યું. આચાર્યશ્રી ફાધર વિનોદે જણાવ્યું કે ગુરુઓનું પુજન દરરોજ કરવું જોઈએ. ગુરુનો અર્થ એ થાય છે કે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ દોરી જાય એ ગુરુ છે. આ દિવસ વેદો, ઉપનિષદો,પુરાણો, મહાભારત ધર્મગ્રંથોની રચના કરનાર વિશ્વ વંદનીય કૃષ્ણદ્રૈપાયન વેદવ્યાસનો જન્મદિન હોવાથી વેદવ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુનું મહત્વ સમજાવી તેમને માન સત્કાર આપી જીવન ધન્ય બનાવવાની પ્રેરણા આપી. સ્ટેજ કમિટીએ સુંદર ચિત્રો દોરી સ્ટેજને શણગાર્યું હતું. અંતે ચોકલેટ વહેંચીને, નાસ્તો કરાવી કાર્યક્રમને પુર્ણ કરેલ. આચાર્યશ્રી ફાધર વિનોદે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તમામ શિક્ષકગણે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(4)
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા પર્વે ગુરૂપૂજન વંદના
શ્રી વિશ્વાનંદમાતાજીના સાનિધ્યમાં ભાવિક સેવકો જોડાયા
ઉમરાળા તાલુકાના
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા પર્વે શ્રી ગોપાલજીગિરીબાપુની પૂજન વંદના વિધિ થઈ. આશ્રમના જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમાતાજીના સાનિધ્યમાં ગુરૂપૂજન આરતી સાથે સત્સંગ સંકીર્તનમાં ભાવિક શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અહી જાળિયા ઉપરાંત આજુબાજુના ગામો તેમજ દૂરથી સેવકો મોટી સંખ્યામાં આવ્યા અને ગુરૂપૂજન ઉત્સવ સાથે મહાપ્રસાદ લાભ લીધો હતો.