Talaja
તળાજાના ચુડી ગામમાં જૂથ અથડામણ : રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યાંની કેફીયત
પવાર
- વાડીના રસ્તે ઘેટાં-બકરા ચરાવવા મામલે શેઢા પાડોશી પરિવારો વચ્ચે બોલેલી બઘડાટીમાં ચારને ઇજા : હવામાં ફાયરિંગ કર્યાનું ઇજાગ્રસ્ત દંપતીનું નિવેદન : બન્ને પક્ષો દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ- ફરિયાદ
તળાજા તાલુકાના વાડી વિસ્તારમાં શેઢા પાડોશી વચ્ચે ઘેટા ચરાવવા મામલે હથિયારો વડે સામસામે હુમલાની ઘટનામાં બન્ને પક્ષે ચાર વ્યક્તિને ઇજા થતાં સારવાર અર્થે તળાજા અને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં રિવોલ્વર વડે હવામાં ફાયરિંગ કરવામાં આવતા તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના ચુડી ગામમાં આવેલ વાડી વિસ્તારમાં રહેતા હિંમતભાઈ ત્રીકમભાઈ જાળેલાની વાડીએ ગામમાં રહેતા લાખાભાઈ ભોળાભાઈ જાગરાણા જાતે ભરવાડ તેમના ઘેટા બકરા લઈને ડુંગળીના લોદર ચરાવવા માટે આવતા હોય, બાજુમાં આવેલ વાડીવાળા પ્રેમજીભાઈ અંબારામભાઈ જાળેલાએ લાખાભાઈને અટકાવી ઘેટા બકરા રસ્તેથી ચરાવવાની ના પાડતા હિંમતભાઈ અને તેનો પુત્ર જય ત્યાં જતા પ્રેમજીભાઈ જાળેલાએ ઉશ્કેરાઈ જઈને કોદાળી વડે હુમલો કર્યો હતો
તેમજ તેમના પત્ની વિજુબેને પણ પથ્થરના છુટા ઘા કર્યા હતા.જ્યારે સામા પક્ષે પણ તલવાર,ધારિયું, દાંતરડા સહિતના હથિયારો વડે વળતો હુમલો કરવામાં આવતા પ્રેમજીભાઈ જળેલા અને તેમના પત્ની વિજુબેનને ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અથડામણની આ ઘટનામાં હિંમતભાઈ જાળેલાએ પ્રેમજીભાઈ તથા તેમના પત્ની વિજુબેન વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સમાપક્ષે ભાવનગર હોસ્પિટલમાં દાખલ દંપતીએ તેમની ઉપર તલવાર, દાતરડું, ધારીયા વડે હુમલો થયાનું તેમજ રિવોલ્વર વડે હવામાં ફાયરિંગ કર્યાનું હોસ્પિટલ પોલીસને નિવેદન આપતા તળાજા પોલીસે વળતી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી.