Sihor
સિહોરના ગૌતમેશ્વર લોકમેળાએ કરી જમાવટ ; માનવ સમુંદર ઘુઘવાયો
દેવરાજ – બ્રિજેશ
સ્ટોલોએ ભારે જમાવ્યું આકર્ષણ : બાળકો અને મોટેરાને લગાડયું ઘેલું, ખાણી-પીણી અને રમકડાની ખરીદીની ધૂમ, લોકમેળામાં માનવ મહેરામણ ઉમટયો
સૌરાષ્ટ્રની ભાતીગળ લોક સંસ્કૃતિની ઝલક આપતા સિહોરના ગૌતમેશ્વર ખાતે યોજાયેલ લોકમેળાએ ભારે જમાવટ કરી ને અભૂતપૂર્વ માનવ મેદનીએ ઉમટી પડી હતી શ્રાવણ માસ એટલે તહેવારો અને મેળાઓની મોજનો માસ. આ માસમાં ભાવિકો આસ્થા અને શ્રદ્ધાપૂર્વક દેવાધિદેવ મહાદેવની ભક્તિ કરતાં હોય છે અને ભક્તિની સાથો-સાથ મનોરંજન માટે મેળાઓનું પણ આયોજન થતું હોય છે.
સિહોર ખાતે આજે આઠમના દિવસે ગૌતમેશ્વર મહાદેવના મંદિર ભવ્ય ભાતીગળ મેળો ભરાયો હતો. માનવ મહેરામણે ઉમટી પડી મેળાની મોજ માણી હતી. આજે સવારથી ગ્રામ્ય વિસ્તારની જન મેદનીનો પ્રવાહ મેળાની મોજ માણવા માટે ગૌતમેશ્વર તરફ વહેતો થયો હતો.અનેક સ્ટોલોએ આકર્ષણ જમાવેલ છે. લોકમેળામાં ખાણી-પીણી તેમજ રમકડા અને અવનવી આઈટમોની ખરીદીની ધૂમ મચી છે.
પાવનકારી શ્રાવણ માસમાં મહાદેવ અને શ્રીકૃષ્ણ ભક્તિની સાથે લોકમેળાની ઉજવણી પણ એક અભિન્ન અંગ સમી વણાયેલી છે. શ્રાવણના સાતમ-આઠમના પર્વ ચોતરફ મેળાઓની મોસમ જોવા મળે છે. ગૌતમેશ્વર ખાતે પરંપરાગત આઠમનો લોકમેળો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારના અબાલવૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા.
આ લોક મેળામાં નાસ્તાના તેમજ રમકડાનાં તથા ઠંડા પીણાના સ્ટોલો પણ ઉભા કરવામાં આવ્યા હતા. તેમજ બાળકોને રમવા વિવિધ પ્રકારોનાં ચકડોળો તથા રમવાનાં સ્ટોલો તથા ખાણી પીણીઓના સ્ટોલો ઉભા કરવામાં આવ્યા હતા. આ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુસર સિહોર પોલીસ સોનગઢ પોલીસ તથા હોમગાર્ડ તથા જીઆરડી વિગેરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.