Sihor
સિહોરના દાદાનીવાવ પાસે રખડતાં ઢોરના કારણે મોટી અનહોની ટળી ; ઘોર નિંદ્રામાં ઊંઘેલું તંત્ર ક્યાં સુધી સુતું રહેશે.
પરેશ
સિહોરનું તંત્ર આટલી ઘોર નિંદ્રામાં કેમ? સિહોરમાં અનેક નાની-મોટી સમસ્યાઓ છે, જેમાં ખાસ કરીને સિહોરનો મુખ્ય વિસ્તાર એવા દાદાની વાવથી લઈને ગરીબશાહ પીર સુધીના રોડ પર રખડતા ઢોર ઠેકાણે મોટી સંખ્યામાં જોવા મળે છે, ત્યારે આજે દાદાની વાવ પાસે એક મોટી અનહોની થતા બચી ગઈ, ભાવનગર બાજુથી આવતી રીક્ષા વચ્ચે ગાય આડી આવતા રિક્ષા ચાલકે બચાવ કરવા માટે સાઈડ લીધી, ત્યારે રીક્ષામાં બેસેલા એક મહિલા તેના ખોળામાં રહેલી માત્ર એક વર્ષની બાળકી સહિત રોડ પર નીચે પટકાયા, એક તો રાતનો સમય, ઉપરથી મુખ્ય રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળાની કમી, આ પરિસ્થિતિ બની ગઈ છે સિહોરની.
આવી અનેક પ્રકારની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સિહોરની જનતા કેટલાક સમયથી ત્રસ્ત છે, વારંવાર રજૂઆતો કરવા છતાં…વારંવાર ફરિયાદ કરવા છતાં, સિહોરનું તંત્ર, નગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ અને જવાબદાર લોકો કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરતું નથી, દાદાની વાવ પાસે બનેલી આ ઘટના નગરપાલિકાની ઘોર બેદરકારીનું જ પરિણામ છે
આ મહિલા અને તેના ખોળામાં રહેલી બાળકીનું સદભાગ્ય એટલું કે તેને કોઈ ગંભીર ઇજા નથી થઈ, પણ જો આવી જ રીતે સિહોરના લોકો ભગવાનના ભરોસે રહેશે તો લખી રાખીએ કે આજે નહીં તો કાલે ગંભીર પરિણામ ભોગવવા પડશે, આ પરિણામ તમારી સાથે પણ બની શકે છે… અમારી સાથે પણ બની શકે છે… અને શિહોરની જનતામાંથી કોઈ પણની સાથે બની શકે છે…
ત્યારે સિહોર નગરપાલિકાના જવાબદાર લોકો રખડતા ઢોર અને સ્ટ્રીટ લાઈટના મુદ્દે ગંભીરતાથી વિચાર કરે તે ખૂબ જરૂરી છે. ચૂંટણી સમયે મોટી મોટી વાતો, મોટા મોટા વાયદાઓ અને વચનો જનતાએ ખૂબ સાંભળ્યા, પણ હવે જનતાને એ તમામ કામો જોવા છે, અનુભવવા છે, અને આશા રાખીએ કે આ ઘટનાથી શીખ લઈને તંત્ર કેટલાય સમયથી ત્રસ્ત થતી સિહોરની જનતાને આવી દરેક સમસ્યાઓથી છુટકારો આપશે.