Sihor
સિહોર સહિત ગારીયાધાર અને તળાજા સાથે રાજ્યની 76 નગરપાલિકાઓમાં વહીવટદારોનુ શાસન
પવાર
ચૂંટણી થાય ત્યાં સુધી પ્રાંત અધિકારીઓ, અધિક કલેક્ટરો, નાયબ કલેક્ટરો અને મામલતદારોને વહીવટદારની જવાબદારી
ટર્મ પૂરી થઈ જવા છતાં ચૂંટણી નહીં યોજી શકવાના કારણે સિહોર ગારીયાધાર અને તળાજા સહિત સૌરાષ્ટ્ર કચ્છની 32 ,રાજ્યની 76 નગરપાલિકાઓમાં તાત્કાલિક અસરથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા આ સંદર્ભે ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને નગરપાલિકામાં પ્રાંત અધિકારી, અધિક કલેકટર ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારોની નિમણૂક વહીવટદાર તરીકે કરવામાં આવી છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
જે 76 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે તેમાંથી 68 નગરપાલિકાઓની મુદત ફેબ્રુઆરી માસમાં પૂરી થઈ ગઈ છે. નગરપાલિકાઓની મુદત તારીખ 2 માર્ચના રોજ પૂરી થઈ ગઈ છે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓનું જાહેરનામાથી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ બંને નગરપાલિકા વિસર્જિત થયાને છ માસનો સમયગાળો પૂરો કરવામાં આવ્યો હોવાથી આ તમામ જગ્યાઓએ વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 8 મુજબ નગરપાલિકાઓની મુદત પ્રથમ બેઠકથી પાંચ વર્ષની હોય છે અને મુદત પૂરી થાય તે પહેલા ચૂંટણી કરવાની હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે રચાયેલા સમર્પિત આયોગ દ્વારા અહેવાલ રજૂ કરવામાં ન આવતા ચૂંટણી થઈ શકતી નથી.હવે આયોગ દ્વારા સરકારને અહેવાલ ન આવે ત્યાં સુધી આવી નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર કચ્છની જે નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન આવ્યું છે તેમાં કચ્છ જિલ્લાની ભચાઉ રાપર નખત્રાણા જામનગર જિલ્લાની ધ્રોલ જામજોધપુર કાલાવડ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા સલાયા ભાણવડ મોરબી જિલ્લાની હળવદ વાંકાનેર રાજકોટ જિલ્લાની જેતપુર નવાગઢ ધોરાજી ઉપલેટા જસદણ ભાયાવદર પોરબંદર જિલ્લાની રાણાવાવ કુતિયાણા અમરેલી જિલ્લાની જાફરાબાદ રાજુલા ચલાલા લાઠી ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર માંગરોળ માણાવદર જુનાગઢ જિલ્લાની બાટવા ચોરવાડ વંથલી વિસાવદર સાથે સિહોર ગારીયાધાર અને તળાજા નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.