Gandhinagar
૧૩મીથી ગાંધીનગરમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામ કથાનો પ્રારંભ

કુવાડિયા
૧૨મીએ નરેન્દ્રભાઇ મોદી શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધશે : શિક્ષકોને સમર્પિત શ્રીરામ કથામાં ૧ લાખ શિક્ષક ભાઇ-બહેનો ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા : રાત્રીના લોકડાયરાની રમઝટ બોલશે
પુ.મોરારીબાપુ અત્યારે ભલે લોક શિક્ષક તરીકે સમગ્ર જગતને ચેતના પુરી પાડતાં હોય.પરંતુ એક સમયે તેઓ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે કાર્યરત હતાં અને તેથી સ્વાભાવિક રીતે બાપુને પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ બહેનો માટે વિશેષ અનુગ્રહ હોય અને એના ભાગરૂપે બાપુ પાસે પ્રાથમિક શિક્ષક ભાઈ બહેનોએ કથા શ્રવણ દ્વારા મૂલ્ય શિક્ષણ માટેના પ્રયાસ કરવા ઘણીવાર કથાનું માધ્યમ મેળવવા વિનંતી કરી હતી. બાપુએ સમય સંજોગો મુજબ તેનો સ્વીકાર કરવા અનુમતિ પણ આપેલી. આખરે આ ઘડી હવે આવી પહોંચી છે. બાપુએ આ કથાને પોતાની કથા સમજીને અનેક શિક્ષક ભાઈ બહેનોની કથાની સાથે સંવેદનાથી જોડ્યાં છે.
આગામી ૧૩મી મેથી ગાંધીનગર પાસેના ગિફટ સિટીમાં પાસે આવેલાં વલાદ ગામમાં આ કથાનો પ્રારંભ થશે. આગળના દિવસે ૧૨ મે ના રોજ શિક્ષકોના રાષ્ટ્રીય અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઉપસ્થિત રહેનાર છે. તેથી આ રામકથાનું મહત્વ અને અનેરૂં બની રહેવાનું છે.ગુજરાતના મુખ્યમંત્રી તથા મંત્રી મંડળના ઘણાં બધાંએ વિશિષ્ટ મહાનુભાવો તથા દરમિયાન ઉપસ્થિત રહીને આ મહાઅભિયાનને વેગવંતુ બનાવવા માટે પોતાની સંમતિ દર્શાવશે.
કથાના આયોજનમાં મુખ્ય રૂપે ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ જોડાયેલું છે. કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાજીના વિશેષ સહયોગ અને પ્રયત્નથી આ ભગવદિય કાર્યમાં અનન્ય સાથી તરીકે રામભક્ત એવા રીયલ એસ્ટેટની સાથે જોડાયેલાં શ્રી ડાયાભાઈ ભરવાડ અને હીરાભાઈ ભરવાડ પણ આ કથાના નિમિત માત્ર યજમાન છે. કથામાં ૨૦ એકરમાં ભોજન અને સભા મંડપનો સમિયાણો ઊભો કરવામાં આવ્યો છે.તે માટેની જરૂરી વ્યવસ્થાઓ માટે વિવિધ કમિટીઓની રચના કરીને ઉમંગભેર સ્થાનિક જિલ્લાઓ ગાંધીનગર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શિક્ષક ભાઈ બહેનો પોતાની સેવા આપવા માટે જોડાઈ ગયા છે.
કથાના આયોજનમાં શિક્ષક સંઘના હોદ્દેદારો શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, સતિષભાઈ પટેલ, રણજીતસિંહ પરમાર, મિડિયા સંયોજક શ્રી જયમીનભાઈ પટેલ ઉપરાંત ડાયાભાઈ ભરવાડ અને હિરાભાઈ ભરવાડ વગેરે જોડાઈ ગયાં છે.કથામા ૧ લાખ શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાત્રી કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.૧૩-૫ ના રોજ જીજ્ઞેશ બારોટ,ગીતા રબારી,૧૫-૫ ના માયાભાઈ આહીર, ઉર્વશી રાદડિયા,૧૬-૫ કિર્તીદાન, રશ્મિતા રબારી, ૧૮-૫ રાજભા અને બીરજુ બારોટ, ૨૦-૫ ઓસમાણ મીર -અલ્પા પટેલ-ફરિદા મીર વગેરે રંગ કસુંબલ ડાયરાઓની રમઝટ કરશે. સૌને કથા શ્રવણ તથા લોકડાયરા પધારવાનું જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.