Gujarat
કોંગ્રેસ દ્વારા સતત અઢારમાં વર્ષે ‘કારકિર્દીના ઉંબરે’ ધો.12 પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક પ્રકાશિત

બરફવાળા
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે માહિતીનો વિશેષ સમાવેશ, ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓ માટે પથદર્શક બનશે : ડો. મનિષ દોશી
કોંગ્રેસના સંનિષ્ઠ આગેવાન તથા શિક્ષણવિદ, મીડિયા ક્નવીનર અને પ્રવકતા ડો. મનિષ દોશી (એન્જીનિયર) અને તેમના સહયોગી દ્વારા સતત અઢારમાં વર્ષે માર્ગદર્શક પુસ્તક કારકીર્દીના ઉંબરે ધો.12 પછી શું કારકીર્દી માર્ગદર્શક પુસ્તકનું પ્રકાશન કરાયું છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિમોચન કરતા જણાવ્યું હતું કે, ઉજજવળ કારકીર્દી અને સફળ જીવન માટે ધોરણ 10-12 પછી અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની હોય છે. તેમણે ગુજરાતના તમામ વિદ્યાર્થીને સચોટ સરળ માર્ગદર્શન માટેનું ભગીરથ અને પ્રસંશનીય કામ કરનારા પ્રવકતા ડો. મનીષ દોશી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓને ઉજજવળ કારકીર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા માટે ગુણવત્તાસભર શિક્ષર મળે તે અતિ આવશ્યક છે.
કારકીર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડો. મનીષ દોશીએ જણાવ્યું કે, ધો.12 પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજય દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે સમયસર અને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે. કોંગ્રેસે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકીર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થા સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે 200થી વધુ અભ્યાસક્રમની વિગતો સાથે વિશેષ કારકીર્દીના અભ્યાસક્રમોની માહિતીનો સમાવેશ કરાયો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે 40થી વધુ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી તેમજ દેશમાં આગામી સમયની માગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતોનો સમાવેશ કરાયો છે. અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પણ વિશેષત: અંગ્રેજી ભાષામાં માહિતીનો સમાવેશ કરાયો છે.