Sihor
રાજકોટના બનાવને પગલે સિહોર શહેર અને જિલ્લાના સોની વેપારીઓ ચિંતામગ્ન
પવાર
આઈ.ડી. પ્રુફનો રખાતો આગ્રહ, વેપારીઓ એલર્ટ બન્યા, ભાવનગરમાં પણ બંગાળી કારીગરોનું સામ્રાજય વિકસી અને વિસ્તરી રહેલ છે, કે.વાય.સી.નો ધમધમાટ જારી
રાજકોટ શહેરની સોની બજારમાંથી તાજેતરમાં ત્રણ આંતકવાદીઓ પકડાવાની ઘટનાના ગોહિલવાડની સોની બજારમાં પણ ઘેરા પડઘા પડયા હતા. તે બનાવના પગલે સિહોર તેમજ જિલ્લાભરમાં બંગાળી કારીગરોની કેવાયસી, પોલીસ વેરીફિકેશન સહિતની કામગીરીનો ધમધમાટ વધ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભાવનગર સહિત રાજયભરમાં બંગાળી કારીગરોનું સામ્રાજય વિકસી અને વિસ્તરી રહેલ છે ત્યારે તાજેતરમાં રાજકોટના સોની બજારમાંથી ત્રણ આંતકવાદી બંગાળી કારીગરો ઝડપાતા ગોહિલવાડના તમામ તાલુકા મથકોના સોની વેપારીઓ પણ એલર્ટ બન્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજકોટના સોની બજારમાં ૫૦ હજાર જેટલા બંગાળી કારીગરો,ભાવનગર શહેરમાં ૮૦૦ થી વધુ,મહુવા તાલુકામાં ૧૨૫ આસપાસ,તળાજામાં ૭૫, સિહોરમાં ૨૫ થી વધુ બંગાળી કારીગરા મળી જિલ્લામાં કુલ ૧૦૦૦ બંગાળી કારીગરો કાર્યરત છે.
ભાવનગરમાં કણબીવાડ, વોરાવાડ અને ભગાતળાવ સહિતના વિસ્તારોમાં સ્થાયી થયેલા બંગાળી કારીગરો શેરડીપીઠના ડેલા સહિત સોની બજારમાં ઘાટકામ અને નકશીકામની કામગીરી સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત અન્ય શ્રમિકો જુદી જુદી વેપારી પેઢીઓમાં પણ કાર્યરત છે. ભાવનગરમાં હાલ નાની મોટી મળી કુલ ૫૦૦ જેટલી સોનીવેપારીઓની દુકાનો અને સાતથી આઠ જેટલા શોરૂમ, મોલ અલગ અલગ વિસ્તારોમાં આવેલ છે જેઓને બંગાળી કારીગરો સાથે વધુ પડતુ કામ રહેતુ હોય છે.તાજેતરમાં રાજકોટમાં આતંકી સંગઠન સાથે બંગાળી કારીગર વચ્ચેનું કનેકશન જાહેર થયા બાદ સ્થાનિક સોની વેપારીઓ પણ ચિંતામગ્ન બન્યા છે.અને સોની બજારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે વેપારીઓ બંગાળીકારીગરોના કેવાયસી અને પોલીસ વેરીફિકેશનનો આગ્રહ રાખી રહ્યા છે એટલુ જ નહિ બંગાળી કારીગરોને કામ આપતા પહેલા તેઓની હિસ્ટ્રી સહિતની માહિતી અને આઈ.ડી. અને રેસીડન્સીયલ પ્રુફ ઉપલબ્ધ રાખવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.