Sihor
ફાયર સર્વિસ ડે ; સિહોર ફાયર વિભાગ દ્વારા અગ્નીશમન દિવસની ઉજવણી – મુંબઈ ફાયર બ્રિગેડના શહીદ થયેલા 66 કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અપાઈ
દેવરાજ
સિહોર નગર પાલિકાના ફાયર બ્રિગેડના અધિકારી અને જવાનો દ્વારા આજરોજ અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આ ઉજવણીના ભાગરૂપે સોનગઢ ગુરુકુળ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જ્યાં નગર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તેમજ અધિકારી અને પદા અધિકારીઓની ઉપસ્થિતિમાં આજરોજ 14 એપ્રિલના રોજ અગ્નિશમન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
14મી એપ્રિલ, 1944ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઇના વિકટોરીયા ડોક ચાર્ડમાં લંગારેલા “ફોર્ટ સ્ટાઇકીન” માલવાહક જહાજમાં 20 લાખ પાઉન્ડની સોનાની પાટો, લડાયક શસ્ત્રો, સ્ફોટક પદાર્થો, લશ્કરી દારૂ ગોળો વગેરે મળી 7200 ટન સામાન ઉપરાંત આ જહાજમાં કરાંચીથી 8000 રૂની ગાંસડીઓ, ઓઇલ, લાકડું, સલ્ફર, માછલીનું ખાતર અને રોઝીન વગેરે ભરવામાં આવ્યુ હતુ. જહાજમાં ધૂમ્રપાનમાંથી ઉડેલા તણખામાંથી ભયંકર ધડાકા સાથે ભીષણ આગ લાગી હતી. જેમાં મુંબઇ ફાયરબ્રિગેડના 66 કર્મચારીઓ શહીદ થયા હતા. આ ભયાનક આગમાં કુલ 321 વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ધડાકાથી માલવાહક જહાજનું 120 મીટર લાંબા તરતા બોંબમાં રૂપાંતર થઇ ગયુ હતું. મુંબઇની ધરતી ધ્રુજી ઉઠી હતી અને 5000 ટનનું 120 મીટર લાંબુ જયનંદા જહાજ 18 મીટર ઉંચુ હવામાં ફંગોળાયુ હતુ, આનાથી નાના-મોટા 26 જહાજો ગોદીમાં ડુબી ગયા હતા. એ દિવસથી દર વર્ષે 14મી એપ્રિલને અગ્નિશમન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
સિહોર ફાયર વિભાગ દ્વારા સોનગઢ ગુરુકુળ ખાતે ફાયર સર્વિસ ડે નિમિત્તે ઉજવણી કરવામાં આવી છે. 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈ ડોક્યાર્ડમાં મોટા શિપ, જહાજમાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગતાં જીવાના જોખમે તેમજ જાહેર જનતાને બચાવવા જતાં ફાયરના 66 જવાનો શહીદ થયા તેની યાદમાં 14 એપ્રિલ 1965થી દર વર્ષે ફાયર ડે તરીકે મનાવવામાં આવે છે. શાહિદ થયેલા 66 જવાનોને આ રીતે દર વર્ષે શ્રદ્ધાંજલિ અપાય છે.