Bhavnagar
ભાવનગર જિલ્લામાં આગામી સપ્તાહમાં ખેડૂતોનું આક્રોશ સંમેલન યોજાશે
પવાર
- કપાસ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા 3 દિવસમાં રેલવેના વેગનો ફાળવવા, રેલવેનું ભાડુ અને નીકાસકારો પાસેથી નીકાસવેરો વસુલવાનું બંધ કરવા માંગ
ભાવનગર : ખેડૂતોને કપાસ અને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા અને તાજેતરમાં રાતોરાત જંત્રીના ભાવ ડબલ કરાતા ખેડૂતવિરોધી નીતિરીતિના વિરોધમાં આગામી પાંચ દિવસ બાદ ભાવનગરમાં આગામી સપ્તાહમાં ખેડૂતોનુ આક્રોશ સંમેલન યોજાશે. જેમાં ભાવનગર જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે અને ખેડૂતોના હિતમાં આંદોલનના મંડાણ કરાશે. સૌરાષ્ટ્રમાં કપાસના ભાવમાં ખેડૂતોને લૂંટવાનો પરવાનો લેવાયો હોય તેમ ખેડૂતો લુંટાઈ રહ્યા છે. છેલ્લા ચાર-ચાર મહિનાથી ખેડૂતો એક મણ કપાસનો ભાવ અઢી હજાર કરી આપવા કાકલૂદી કરી રહ્યા છે તેમ છતાં સત્તાધીશો ધ્યાન આપતા નથી. વૈશ્વિક મંદી છે અને ઉપર લેવલે લેવાલી નથી વગેરે બહાનાબાજી કરીને રાજયભરના જીનરો અને કપાસના લુંટબાજ વેપારીઓ કપાસનો ભાવ દબાવી રાખે છે.
કૃષિખાતુ આ બાબતે અવનવા ફતવાઓ અમલી કરે છે તે અંગે વેપારીઓ અને જીનરોની મીલીભગત હોવાનું ખેડૂતોમાં ચર્ચાઈ રહેલ છે. વર્ષો પુર્વે એક મણ કપાસનો ભાવ ૪૦૦ થી ૫૦૦ થતા રોષે ભરાયેલા ખેડૂતોએ ભારપૂર્વક રજુઆત કરતા ભુતપુર્વ કેન્દ્રીય કૃષિમંત્રી શંકરસિંહ વાઘેલાની સરકારે ખેડૂતોની પાસેથી ડબલ ભાવે કપાસની ખરીદી કરી હતી.ત્યારે વર્તમાન સરકાર ખેડૂતોને એક મણ ડુંગળીના રૂા ૮૦૦ ચૂકવે તો જ ખેડૂતોને પોષાય તેમ છે. ખેડૂત અગ્રણીઓએ આક્રોશભેર વધુમાં જણાવ્યુ હતુ કે, ખેડૂતોના મતથી જીતેલા ભાવનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડના પદાધિકારીઓ અને નેતાઓ ડુંગળી માટે રેલવેના વધુ વેગનો ફાળવવા ફકત રજુઆત કરે છે ડુંગળીના ગગડતા ભાવ અંગે કાર્યવાહી કરવામાં વિલંબ દાખવી રહ્યા છે. ખેડૂતોને રાહત આપવા ત્રણ દિવસમાં વેગનો ફાળવવા, રેલવેનુ ભાડુ માફ કરવા અને નીકાસકારો પાસેથી નીકાસવેરો વસુલવાનું બંધ કરવામાં આવે તેવી ભાવનગર જિલ્લાના ખેડૂતોએ માંગ કરી છે.