Palitana
દીવાલ ધરાશાયી થતા પાલીતાણાના સોનપરી ગામનો પરિવાર દબાયો, 2 સંતાનોના મોત

પવાર
- માતાને સામાન્ય ઈજા જયારે પિતાની સ્થિતિ ગંભીર : પાલીતાણાના સોનપરી ગામનો પરિવાર આણંદના વાસદમાં રહી ફુગ્ગાનો વ્યવસાય કરતો હતો
પાલીતાણાના સોનપરી ગામના વતની અને છેલ્લા કેટલાક સમયથી આણંદના વાસદ ચોકડી નજીકના એક પ્લોટમાં રહેતો પરિવાર પર ભારે વરસાદના પગલે પ્લોટની દીવાલ પડતા તમામ કાટમાળ નીચે દબાયા હતા. ઘટનાના પગલે કાટમાળ ખસેડી દબાયેલા પરિવારનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું પરંતુ બે માસુમ બાળકોના મોત નીપજ્યા હતા. જયારે દંપત્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મુળ પાલીતાણા તાલુકાના સોનપરી ગામના વતની વિનાભાઇ ગાહાભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી આણંદના વાસદમાં વાસદ ચોકડી નજીકના એક ખુલ્લા પ્લોટમાં ઝૂંપડું બાંધી પત્ની અને ૨સંતાનો સાથે રહી ફુગ્ગાનો વ્યવસાય કરતાં હતા.
દરમ્યાનમાં આણંદ સહિતના પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે પ્લોટની દીવાલ ધડાકાભેર ધરાશાયી થતા વિનાભાઇ તેમના પત્ની વસંતબેન, પુત્રી શકુબેન અને પુત્ર ભોપો દીવાલના કાટમાળ નીચે દબાઈ જતા તમામનું રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને કાટમાળ ખસેડી તમામને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે શકુબેન (ઉ. વ.૭) અને ભોપા(ઉ. વ.૫) ને તપાસી મૃત જાહેર કર્યા હતા. જયારે ઈજાગ્રસ્ત વિનાભાઇ ગાહાભાઈ પરમારની સ્થિતિ ગંભીર હોવાનું તેમજ વિનાભાઇના પત્ની વસંતબેનની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. દીવાલ ધરાશાયી થયાના પગલે સ્થળપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો પણ કાટમાળ ખસેડવાની કામગીરીમાં જોડાયા હતા.