Sihor
મોંઘા પડ્યાં માવઠાં ; સિહોર પંથકમાં પાકનો કચ્ચરઘાણ, ખેડૂતો રડ્યાં રાતા પાણીએ

હરેશ પવાર
કમોસમી વરસાદને કારણે ખેડૂતને મોટાપાયે નુકસાન, વરસાદી માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતાની લકીરો, ઉભા પાકો જમીનદોસ્ત, ખેડુતોને રડવાનો વારો, કમોસમી વરસાદથી ઈંટો પકવનારાને પણ મોટું નુકસાન
સિહોર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. માર્ચ મહિનામાં જ્યાં ઉનાળાની શરુઆત થતી હોય છે પરંતુ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ હોય તેવું વાતાવરણ સર્જાયું છે, રાજ્યમાં ઠેર-ઠેર હળવાથી ભારે અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. રાજ્યમાં કમોસમી વરસાદે જગતના તાતના હાલ-બેહાલ કર્યા છે. ભર ઉનાળે વરસેલા વરસાદે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યો છે, કમોસમી વરસાદના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેતી પાકમાં નુકસાન થયું છે.
ભારે વરસાદ સિહોર શહેર અને પંથકમાં ખાબક્યો છે. જેમાં ખેતી પાકમાં ભારે નુકસાન થયું છે. ખેડૂતોને તમામ પાકોમાં ભારે નુકસાન થયું છે. વરસાદને કારણે ખેડૂતોના પાકમાં વરસાદી પાણી ફરી વળ્યું છે જેના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સિહોર પંથકમાં ગઈકાલે કમોસમી કમઠાણ સર્જાયું છે. વરસાદી માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે કારણ કે, બાજરી, જુવાર, લીંબુ, કેરી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે.
સિહોરના ખારી સહીત ગામોમાં ભારે વરસાદથી ખેતી પાકમાં ભારે નુકસાની થઈ છે. ઉભા પાકો જમીન દોસ્ત થયા છે. ખેડૂતોએ તાત્કાલિક સરવે કરીને સરકાર પાસે સહાય ચૂકવવાની માંગ કરી છે. સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોનો ઉભો પાક ઢળી પડ્યો છે, કમોસમી વરસાદના કારણે તલ, બાજરી, જુવાર અને બાગાયતી પાકને ભારે નુકશાન થયું છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતર ની માંગ કરવામાં આવી છે.
ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે, ચોમાસા બાદ સતત વરસી રહેલો કમોસમી વરસાદ ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન સાબિત થઈ રહ્યો છે, હાલ વાડી ખેતરોમાં ઊભા તૈયાર પાક ને લણવાનો સમય હતો, જેના થકી ખેડૂતો થોડી ઘણી નુકશાનની ભરપાઈ કરી શકે પરંતુ જાણે કુદરત ને આ મંજૂર જ ના હોય તેમ ખેડૂતોની એ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. અચાનક આવેલા વરસાદને લઇને સિહોર તાલુકાના ખાંભા ગામના ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, નુકશાન અંગે સહાય ચૂકવવા ખેડૂતો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે