Gujarat
ભાવનગર-ગાંધીધામ-અમદાવાદમાં ઇડીનું દરોડા ઓપરેશન : મની લોન્ડરીંગ કેસમાં કાર્યવાહી
પવાર
જીએસટી બાદ કેન્દ્રીય એજન્સીનો સકંજો : 20 વર્ષ જુના પ્રકરણમાં એક સાથે 25 સ્થળોએ દરોડા : 29 લાખ રોકડા તથા નાણાંકીય હેરાફેરી દર્શાવતા દસ્તાવેજો જપ્ત
જીએસટી કૌભાંડોથી કેન્દ્રીય એજન્સીઓની નજરે ચડી ગયેલા ભાવનગર, ગાંધીધામ સહિતના ગુજરાતના શહેરોમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ત્રાટકયુ છે અને બે દાયકા જુના મની લોન્ડરીંગના એક કેસમાં મોટા પાયે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના ડઝન જેટલા સ્થળો સહિત દેશના જુદા જુદા રાજયોમાં 25 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હોવાના નિર્દેશ છે. ઇડીના આ ઓપરેશનમાં 29 લાખ રૂપિયા રોકડા તથા કરોડોની હેરાફેરી દર્શાવતા શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સીના માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે 2002ના પ્રિવેન્સ ઓફ મની લોન્ડરીંગ એકટ અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મોહમ્મદ એઝાઝ બોનર સહિતના અમુક શખ્સો સામે ફ્રોડ, છેતરપીંડીના કેસ હતા અને તેમાં કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવતા તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓની ટીમો ગુજરાતના ભાવનગર, ગાંધીધામ અને અમદાવાદમાં ત્રાટકી હતી. આ સિવાય બેંગ્લોર, મુંબઇ સહિતના અન્ય શહેરો સહિત 25 સ્થળોએ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં 29 લાખ રૂપિયા રોકડા પકડાયા હતા અને શંકાસ્પદ વાંધાજનક દસ્તાવેજોનો ઢગલો મળી આવ્યો હતો જે તપાસના હેતુસર કબ્જે લેવામાં આવ્યો છે. કાયદા નિયમોનો ભંગ કરીને મોટા પાયે નાણાકીય હેરાફેરીના કેસમાં કેન્દ્રીય એજન્સીને વધુ કેટલાક ચોંકાવનારા પુરાવાઓ હાથ લાગ્યા હોવાના નિર્દેશ છે. ગુજરાતમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ એક પછી એક ઓપરેશન હાથ ધરી હોવાના નિર્દેશ છે. ગત સપ્તાહમાં પણ ભાવનગર જેવા શહેરોમાં દરોડા કાર્યવાહી થઇ હતી. કેટલાક વખતથી જીએસટીના કરોડો રૂપિયાના ઇનપુટ ટેકસ ક્રેડીટ કૌભાંડ ભાવનગરનું નામ ગાજયું હતું અને તેમાં ભાવનગરના અમુક શખ્સોની ધરપકડ પણ થઇ હતી. સુરતના કૌભાંડનું કનેકશન પણ ભાવનગરમાં નીકળ્યું હતું. જીએસટી બાદ હવે ભાવનગર, ગાંધીધામ જેવા શહેરોમાં મની લોન્ડરીંગ કેસની તપાસ નીકળતા ખળભળાટ સર્જાયો છે.