Bhavnagar
ડમીકાંડ : ગુરુ શરદ પનોતે બેસાડી શિષ્ય મિલનની પનોતી : હોનહાર હીરો એકાએક ઝીરો કેમ બની ગયો : માતા પિતા ચોંધાર આંસુએ રડી રહ્યા છે

બરફવાળા
સ્કૂલના શિક્ષકે હોંશિયાર વિધાર્થી મિલનનો ભરપૂર ગેરલાભ ઉઠાવ્યો અને ડમી તરીકે ૮-૮ પરીક્ષાઓ પણ અપાવી, ગુરુએ જ શિષ્યનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું અને હાલ જેલના સળિયા પાછળ ધકેલાયો, મિલનના ઘરે પાંચ દિવસથી ચૂલો સળગ્યો નથી
ડમીકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને અત્યાર સુધી ૧૪ જેટલાની ધરપકડ કરવામાં આવી છે અને આજે પણ વધુ બેની ધરપકડ કરવામાં આવી છે ભાવનગર જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવેલા આવા જ એક હોંશિયાર વિધાર્થી મિલન બારૈયાની પોતાના ગુરુએ જ પનોતી બેસાડી દીધી છે . મિલન ભણવામાં ખૂબ હોંશિયાર હતો અને તે ગમે તેવી પરીક્ષાઓ પણ કેમ ન હોય તે આસાનીથી પાસ કરતો હતો અને મિલનની આ હોંશિયારી ગુરુએ પારખી હતી અને તેનો દુરૂપયોગ કર્યો હતો.
મિલનને એક નહીં પણ આઠ – આઠ પરીક્ષાઓ ગુરુએ અપાવી હતી અને આજે હોનહાર હીરો એકાએક ઝીરો બની ગયો છે. મિલનના ઘરની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે અને તેના માતા પિતા ચોંધાર આસુંએ રડી રહ્યા છે. તેના ઘરે પાંચ દિવસથી ચૂલો પણ સળગ્યો નથી. ડમીકાંડમાં પકડાયેલા અનેક ઉમેદવારોની સુંદર કારકિર્દી રોળાઈ ચૂકી છે અને જે નોકરીએ લાગ્યા હતા તેઓ પણ લીલાતોરણે ઘેર આવ્યા છે અને તેમની સામે તપાસનો ગાળિયો કસાયો છે . ભાવનગર જિલ્લામાં ડમીકાંડની તપાસ ચાલી રહી છે ત્યારે એસઆઈટીએ પકડેલા મિલન બારૈયા નામના હોંશિયાર વિધાર્થીની જિંદગી બીજા કોઇએ નહીં પણ તેના ગુરુ શરદ પનોતે બગાડી નાખી છે .
મિલન ભણવામાં ખૂબ હોંશિયાર હતો અને એ ગુરુ શરદ જાણતો હતો અને જેથી તેણે માસૂમ મિલનના ભોળપણનો લાભ લીધો હતો અને એક નહી પણ આઠ આઠ પરીક્ષાઓ અપાવી હતી. આ પરીક્ષાઓ આપવા માટે મિલનને શું મળ્યું હશે એ તો પોલીસ તપાસમાં બહાર આવશે પણ ગુરુએ શિષ્યનું ભવિષ્ય અંધકારમય બનાવી દીધું છે . મિલનના માતા અને પિતાની આંખમાંથી આંસુ સૂકાતા નથી અને તેઓ કહે છે કે અમને કંઇ ખબર નથી આ કેવી રીતે થયું પણ મિલન હોંશિયાર હતો એટલે તેના શિક્ષકે તેનો લાભ ઉઠાવ્યો છે ગ્રામજનો પણ ગુરુને આડે હાથ લઈ રહ્યા છે અને મિલનનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું કહી રહ્યા છે. હાલ મિલનની કારકિર્દી રોળાઈ ગઈ છે અને હવે સંતાપ સિવાય કંઈ બચ્યું નથી