Sihor
રવિવારના કારણે સિહોરઓની વાસી ઉત્તરાયણ ઉજવવાનો ઉત્સાહ બેવડાયો

- મોંઘવારીના પેચ કાપીને સિહોરીઓએ રવિવારે પણ ઉત્સાહથી કરી ઉતરાયણની ઉજવણી ; દિવસે આકાશમાં પતંગ તો રાત્રી સમયે આતશબાજીથી આકાશ ઉભરાયું હતું
ઉત્સવ પ્રિય સિહોરીઓ માટે ઉતરાયણનો તહેવારનો ભારે ઉત્સાહ હોય છે તેમાં પણ આ વખતે 14 જાન્યુઆરીના રોજ પવને સાથ આપતા મોંઘવારીની પેચ કાપીને ઉત્સાહભેર ઉતરાયણની ઉજવણી કરી હતી. સિહોરમાં ઉતરાણ સાથે વાસી ઉત્તરાયણનુ મહત્વ પણ વધુ હોય છે અને તેમાં વાસી ઉત્તરાયણ રવિવારે હોવાથી સિહોરીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો હતો. બે દિવસ સારા પવનના કારણે ચગાવતા અવનવા પતંગના કારણે આકાશ રંગબેરંગી બની ગયું હતું. દિવસ દરમિયાન રંગબેરંગી પતંગોથી આકાશ ઉભરાયું હતું જ્યારે અંધારુ થતાંની સાથે જ દિવાળી જેવો માહોલ બની ગયો હતો અને અનેક જગ્યાએ આતશબાજી અને ફટાકડા ફૂટ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ભારે મંદી છે તેવી વાતો થતી હતી આ વાત ની વચ્ચે જ આવેલી ઉતરાયણે સિહોરીઓને મોંઘવારી ભુલાવી દીધી હતી. મકરસંક્રાંતિ ની આગલી રાત્રે શહેરમાં પતંગ નું વેચાણ થતું હોય તેવી જગ્યાએ ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ઉતરાયણના દિવસે પતંગ ચગાવવા માટે સારો એવો પવન રહ્યો હોવાથી આ વખતે પતંગ ચગાવવા માટે ઠુમકા મારવા ની વધુ જરૂર પડી ન હતી. પવનના કારણે સરળતાથી પતંગ ચગાવી શકતા હોય વહેલી સવારથી જ આકાશમાં પતંગ દેખાવાનું શરૂ થઈ ગયું હતું. વહેલી સવારથી જ રહેણાંક સોસાયટી ના મકાન અને એપાર્ટમેન્ટના ટેરેસ પર પતંગ ફીરકી લઈ પહોંચી ગયા હતા. અનેક શોખીન લોકોએ ટેરેસ પર ડીજે અને સ્પીકર જેવા ઉપકરણ મૂકીને પોતાના મનપસંદ ગીત મૂકવાનું શરૂ કરી દીધું હતું. પોતાનું પસંદગીનું મ્યુઝિક અને પવનના સાથ ના કારણે ઉતરાયણની ઉજવણી ભવ્ય બની ગઈ હતી.