Gujarat
જિલ્લા પોલીસવડા નગરચર્ચા કરશે : દર મહિને એક પોલીસ મથક વિસ્તારમાં ચાર દિવસ રોકાવું પડશે

બરફવાળા
- ગુજરાતમાં ન્યાય અને કાયદાનું શાસન સુદ્રઢ રાખવા રાજય પોલીસ વડાની અનોખી પહેલ : પોલીસિંગની નવી પોલિસી : દેશમાં પ્રથમ વખત રાજયમાં વિશેષ આયોજન
વર્ષો પહેલાં રાજા-મહારાજા પોતાના રાજયમાં રાત્રે નગરચર્ચાએ નીકળતા હતા. જેનો હેતુ રાજયમાં પ્રજાની પરેશાની અને સુખાકારીનું જાત નિરીક્ષણ કરવાનો હતો. નાગરિકોના મનની વાત જાણવા માટે રાજયના પોલીસ વડા વિકાસ સહાયે અનોખી પહેલ કરી છે. જેમાં તેમણે ગુજરાતના તમામ જિલ્લાના પોલીસવડા(ડીએસપી)ને દર મહિને એક પોલીસમથકમાં ચાર દિવસનું રોકાણ કરી નગર્ચર્ચા કરવા સૂચના આપી છે. તેઓ સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ, કાયદો વ્યવસ્થા અને પોલીસિંગની વિગતો એકત્રિત કરી રિપોર્ટ કરશે. માત્ર લોકોની જ સમસ્યા નહિ પરંતુ પોલીસની પણ કોઇ મુશ્કેલી હશે તો તેના નિરાક્ણ માટે પણ પ્રયાસ કરશે DSP પોલીસ મથકની વાર્ષિક તપાસણી વખતે ત્યાં રોકાણ કરવાનું રહેશે. માત્ર પોલીસ મથક નહિ, પરતુ તેની તમામ આઉટ પોર્ટ અને પોલીસ ચોકીની પણ આ સમય દરમિયાન વિઝિટ કરવાનો આદેશ કરાયો છે. વાર્ષિક તપાસણી માટે જે પોલીસ મથકમાં DSP જવાના હોય ત્યાં તેમણે ત્રણ નાઇટ-ચાર દિવસનું રોકાણ કરવાનું. પોલીસ મથકની કામગીરી, સ્ટાફની કામગીરી સહિતની બાબતોનું અવલોકન કરવાનું અને જરૂર પડ્યે સૂચન કરવાના. આ ઉપરાંત પોલીસ મથકની હદમાં આવતા શૈક્ષણિક, ઔદ્યોગિક વિસ્તાર, બજારની વિઝિટ કરવાની તેમજ સામાજિક અને સ્થાનિક અગ્રણીઓ સાથે મીટિંગ કરી તેમની રજૂઆતો, સૂચનો તથા સમસ્યાઓ સાંભળવાની રહેશે. સ્થાનિક લોકો પોલીસ અંગે શું વિચારી રહ્યા છે. તેમની અપેક્ષા શું છે. જેમાં પોલીસ કેટલા અંશે સફળ છે તેનો અહેવાલ તેયાર કરાશે.
ખાનગી રાહે સ્થાનિક વિસ્તારના નાગરિકોના મનની વાત જાણશે
ઘણી વખત સ્થાનિક રહેવાસીઓ સ્થાનિક પોલીસની બે આંખની શરમ કે પછી ડરને કારણે ઘણા મૂદ્દે ચુપ રહેતા હોય છે. તેમની ચુપકીદી નુકસાનકારક સાબિત થઇ શકતી હોય છે. માટે જો ખુદ ડીએસપી તેમની સાથે મીટિંગ કરે તો તેમના મનની વાત જાણી શકે તેમના સુચનો પણ આવકાર્ય રહેશે.
પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ થાય અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય તેના માટેનો હકારાત્મ અભિગમ
જિલ્લા પોલીસવડા સ્થાનિક પોલીસની કામગીરીથી સ્થાનિક લોકો શું માની રહ્યા છે. તેનો અભિપ્રાય લઇને વધુ સારી કામગીરી થાય તેના ઉપર ફોકસ કરશે. આ ઉપરાંત પોલીસ અને પબ્લિક એકબીજા પર વિશ્વાસ મૂકી નજીક આવે તેના માટે આ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે. ચાર દિવસના રોકાણમાં સ્થાનિક પોલીસને માત્ર તેમની ભૂલો જ નહિ, પરંતુ તેમની સારી કામગીરીને પણ ઉજાગર કરવામાં આવશે.
સામાજિક અગ્રણીઓ અને વેપારીઓ સાથે ઔપચારિક મુલાકાત
જિલ્લા પોલીસવડા જે પોલીસ મથકમાં ચાર દિવસ રોકાશે, તે સમય દરમિયાન તેઓ જે તે પોલીસ મથકની હદમાં આવેલા બજારના વેપારીઓ,ઇન્ડ્રસ્ટ્રિયલ એસ્ટેટના ઉદ્યોગપતીઓ તથા સામાજિક અગ્રણીઓ સાથે પણ મીટિંગ કરીને તેમની સમસ્યા અને ફીડબેક લેશે.