Bhavnagar
200 કરોડની નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ શરુ ન થવાનો વિવાદ, શક્તિસિંહ ગોહિલના પ્રહારો
કુવાડીયા
ભાવનગર સર ટી હોસ્પિટલ અણધડ વહીવટમાં સમસ્યા હોસ્પિટલ બની ગઈ છે. જૂનું બિલ્ડીંગ જર્જરિત હોવાથી બંધ કરાયું છે અને નવું 200 કરોડનું બિલ્ડીંગ શરૂ કરવામાં આવતું નથી. કૂતરાં આંટાફેરા મારે છે. ત્યારે કોંગ્રેસે પ્રહાર કર્યો છે. ભાવનગર શહેરની સૌથી મોટી સર ટી હોસ્પિટલમાં સમસ્યાઓ ખૂટતી નથી. ત્યારે નવી બનેલી 200 કરોડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તૈયાર હોવા છતાં પણ શરૂ કરવામાં આવી નથી. જૂની હોસ્પિટલમાં કૂતરાં આટાફેરા મારે છે તેમજ અન્ય નાની-મોટી સમસ્યાઓ દર્દીઓ ભોગવતા આવ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પણ કાર્યક્રમ આપીને વિરોધ વ્યક્ત કર્યો છે. ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ અમરેલી, બોટાદ અને ભાવનગર સહિત ઉના સુધીના લોકો માટે આશીર્વાદરૂપ સમાન છે. સમસ્યાઓનો ખજાનો સામે આવતો રહ્યો છે. ક્યારેક સ્ટ્રેચર નથી હોતા તો ક્યારેક સ્વાનના પગલે, તો ક્યારેક ડોક્ટરના અભાવે દેકારો થતો આવ્યો છે. હાલમાં તાત્કાલિક સારવાર કેન્દ્રમાં બિન્દાસ આંટા ફેરા મારીને કૂતરાં આરામ ફરમાવે છે. જો કોઈ વ્યક્તિ પ્રવેશવાની કોશિશ કરે તો સિક્યુરિટી તેને રોકે છે ત્યારે આ કૂતરાં સામે તંત્ર લાચાર હોય તેવું લાગે છે. હાલમાં થોડા દિવસ પહેલા સર ટી હોસ્પિટલના બિલ્ડીંગ બહાર બીમાર વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો અને હોસ્પિટલના સત્તાવાહકો અજાણ હતા. ત્યારે કૂતરાં દ્વારા તેનું મોઢું ફાડી ખાવામાં આવ્યું હતું.
શક્તિસિંહે કહ્યું કે
ભાવનગરમાં 200 કરોડના ખર્ચે બનાવેલી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દોઢ વર્ષથી તૈયાર પડી છે.નિર્માણ કરીને પણ શરૂ નથી કરવામાં આવી. સુપર સ્પેશિયાલિસ્ટ નહીં મળવાને કારણે આ રીતે હોસ્પિટલ બંધ રાખી મૂકવી પડે તેવા કયા કારણો હોઈ શકે? એક બે સ્પેશિયાલિસ્ટ ન હોય સમજી શકાય પરંતુ અત્યાર સુધી સરકારે શું કર્યું તે લોકોને જણાવવું જોઈએ, હું ભાવનગરનો વતની છું અને ભાવનગરવાસીઓએ મને ચૂંટીને મોકલેલો છે માટે મારે આ કહેવાની ફરજ બને છે
સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ બની શોભાના ગાંઠિયા સમાન
ભાવનગર શહેર અને આસપાસના તાલુકા અને જિલ્લાના લોકો સરટી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. આ લોકોને ધ્યાનમાં રાખીને જ સુપર સ્પેશ્યિાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી છે. હોસ્પિટલ બનીને તૈયાર પણ છે પરંતુ દર્દીઓ અમદાવાદ રાજકોટમાં સારવાર માટે ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે વિપક્ષ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં લાભ લેવા લોકાર્પણ નથી કરવામાં આવી રહ્યું.
ક્યારે કાર્યરત થશે હોસ્પિટલ ?
જે દર્દીઓ માટે અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી એ જ દર્દીઓને ત્યાં માત્ર ઉદ્દઘાટનના વાંકે સારવાર નથી મળી રહી. MRI મશીનથી લઈને તમામ અત્યાધુનિક સાધનોથી સજ્જ હોસ્પિટલ છે અનેક તમામ પ્રકારના ટેસ્ટ નજીવા દરે કરવાના દાવા પણ કરાયા હતા પરંતુ એ તો ત્યારે થશે જ્યારે હોસ્પિટલ કાર્યરત થશે ત્યારે જોવુ રહ્યુ હોસ્પિટલમાં ક્યારે તબીબોની ઘટ પૂરાશે અને હોસ્પિટલ કાર્યરત થશે.