Gujarat
કોંગ્રેસનું ‘ડરો મત’ કેમ્પેઇન શરૂ : સોમવારથી ઉગ્ર આંદોલન
પવાર
રાહુલને સજા મળતા કોંગ્રેસ લાલઘુમ : ટવીટ્ર – ફેસબુક – ઇન્સ્ટાગ્રામ પર પ્રચાર : ‘ડરો મત’ ફોટાને કોંગીજનોએ પ્રોફાઇલ ફોટો બનાવ્યો : મોદી સરકાર વિરૂધ્ધ આર યા પારની લડાઇ લડવા ફુંકાયું રણશિંગુ : ગામે ગામ – શહેરોમાં બંધારણને બચાવો આંદોલન કરશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાના વિરોધમાં કોંગ્રેસે સોમવારથી બંધારણ બચાવો આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે બ્લોક, તહસીલ, જિલ્લા સ્તરથી લઈને રાજધાની સુધી આંદોલન કરવામાં આવશે. તેમણે કહ્યું- અદાણી કૌભાંડ સામે અવાજ ઉઠાવવા બદલ રાહુલ ગાંધીને નિશાન બનાવવામાં આવ્યા છે. ૭ ફેબ્રુઆરીએ રાહુલે અદાણી મુદ્દે સંસદમાં ભાષણ આપ્યું હતું. સુરત કોર્ટમાં ૨૭ ફેબ્રુઆરીએ સુનાવણી શરૂ થઈ હતી અને ૨૩ માર્ચે સજાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આંદોલનની જવાબદારી સોંપવા માટે સમિતિઓની રચના કરવામાં આવશે. શુક્રવારે સાંજે કોંગ્રેસ મુખ્યાલયમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હાજર હતા. કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી છે. રાહુલની સજા બાદ જોરશોરથી રાજકારણ થઈ રહ્યું છે.
કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. આ સાથે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ આ ફોટો પોતાની પ્રોફાઇલ પર લગાવ્યો છે. કોંગ્રેસે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના સત્તાવાર એકાઉન્ટ્સમાં એક નવો પ્રોફાઇલ ફોટો મૂક્યો છે. આ ફોટો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન લેવામાં આવ્યો છે, જેના પર લખ્યું છે- ‘ડરો મત’ !બેઠક બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું- અમારી નસોમાં શહીદોનું લોહી છે, જે આ દેશ માટે વહાવવામાં આવ્યું છે. અમે સખત લડાઈ કરીશું, અમે ડરવાના નથી. રાહુલ ગાંધીએ અદાણી-મોદી સંબંધો પર સવાલ ઉઠાવ્યા હતા. સરકાર આનો જવાબ આપવા માંગતી નથી. રાહુલ સામેની કાર્યવાહી આ પ્રશ્નનું પરિણામ છે.
અહીં, રાહુલ ગાંધીના સમર્થનમાં, પાર્ટીએ સોશિયલ મીડિયા પર ‘ડરો મત’ અભિયાન શરૂ કર્યું છે. તેને પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. પાર્ટીના કાર્યકરો તેને વહેંચી રહ્યા છે. આ સિવાય પાર્ટીના પ્રદર્શનોમાં બેનરો અને પોસ્ટરો પર પણ આ સ્લોગનનો ઉપયોગ મુખ્ય રીતે કરવામાં આવી રહ્યો છે.