Sihor
કોંગ્રેસ ભલે વિપક્ષ માટે નબળો હોય પણ ભાજપના ધારાસભ્યો ભૂપેન્દ્ર પટેલ સરકારની ઊંઘ ઊડાડી રહ્યા છે..
કાર્યાલય
કુમાર કાનાણી, હાર્દિક પટેલ, મનસુખ વસાવા અને કેતન ઈનામદારે સરકાર સામે મોરચો માંડતાં ભાજપમાં ઘમાસાણ, ૧૫૦ સીટ જીત્યા બાદ પણ ભાજપના ધારાસભ્યોમાં સમૂસુતરું નથી : આગામી દિવસોમાં વિરોધ વધે તેવા ભણકારા
વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક ૧૫૬ સીટ જીત્યા બાદ ભાજપ કોંગ્રેસને વિપક્ષનું પદ આપવા તૈયાર નથી ત્યારે બીજી તરફ ભાજપમાં જ ધારાસભ્યો સરકારની ઊંઘ ઊડાડી રહ્યા છે. કોઈ ધારાસભ્ય ભ્રષ્ટાચાર સામે પત્ર લખી રહ્યા છે તો કોઈ લક્ઝરી બસોને શહેરમાં પ્રવેશ ન આપવા માટે પત્ર લખી રહ્યા છે. કપાસના ભાવના મામલે ધારાસભ્ય કૃષિ મંત્રીને પત્ર લખી રહ્યા છે અને નિરાકરણ નહી આવે તો આંદોલનની ચીમકી આપી રહ્યા છે. એક સાંસદ વારંવાર આદિવાસીઓને થતા અન્યાય મામલે છેક વડા પ્રધાન સુધી પત્રો લખી રહ્યા છે તો એક ડેરીમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્ય આક્રમક જણાઈ રહ્યા છે. ટૂંકમાં, ભાજપમાં સમૂસુતરું કંઈ ચાલતું ન હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. સુરતના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સરકાર સામે મોરચો માંડી રહ્યા છે.
સુરતની ટ્રાફિકની સમસ્યાને લઈ તેમણે પોલીસને પત્ર લખીને લકઝરી બસોને શહેરમાં પ્રવેશ ન આપવા કહ્યા બાદ મામલો ગરમાયો છે. અગાઉ પણ તેઓએ ભ્રષ્ટાચારને લઈ છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી. બીજી તરફ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ અવારનવાર તીખા નિવેદનો આપી રહ્યા છે અને આદિવાસીઓને અન્યાય મામલે હવે છેક વડા પ્રધાન સુધી પણ પત્રો લખી રહ્યા છે. બરોડા ડેરીનો વિવાદ ખાસ્સો એવો ચગ્યો છે અને હવે તેમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ ઝંપલાવ્યું છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ ખેડૂતોને કપાસના ભાવમાં થતા અન્યાય મામલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે અને નિરાકરણ લાવવા માગણી કરી છે. જાે તેમ નહી થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. કોંગ્રેસ ભલે વિરોધ ન કરી શક્તી હોય પણ હવે ભાજપના ધારાસભ્યો જ પ્રજાના અવાજને વાચા આપી રહ્યા છે અને સરકાર સામે મોરચો માંડવાની દિશામાં આગળ વધી રહ્યા છે.