Gujarat
ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ-આપ સંયુક્ત રીતે લડશે

Brfwala
‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની જાહેરાતથી રાજકીય ગરમાવો: I.N.D.I.A – વિપક્ષી ગઠબંધન સમજુતી હોય બેઠકોની વહેચણી થશે
લોકસભાની આગામી ચુંટણીમાં ભાજપનો મુકાબલો કરવા માટે કોંગ્રેસ સહિતના દોઢ ડઝન વિરોધપક્ષોએ એક મંચ પર આવવાની પહેલ કરી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે ચુંટણી લડશે તેવી જાહેરાત ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ જો કે, આ મામલે કોઈ ટીપ્પણી કરવાનું ટાળ્યુ હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે એમ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે વિરોધપક્ષોએ ગઠબંધન કર્યુ છે અને તેની સમજુતીના ભાગરૂપે ગુજરાતની 26 બેઠકોમાં કોંગ્રેસ અને આપ સંયુક્ત ચુંટણી લડશે. ગુજરાતમાં પણ કોંગ્રેસ અને આપ સંયુક્ત ચુંટણી લડશે. ગુજરાતમાં પણ ગઠબંધનની આ સમજુતી લાગુ પડશે. રાજયમાં આમ આદમી પાર્ટીએ હાલ સીટની ચકાસણી શરુ કરી દીધી છે.તેઓએ કહ્યું કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. કોંગ્રેસ સાથે બેઠક વ્હેંચણી થશે અને ગઠબંધન હેઠળ ચુંટણી લડાશે. લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ બેઠકોની યોગ્ય વ્હેંચણી થવાના સંજોગોમાં છેલ્લી બે ટર્મની જેમ ભાજપ આ વખતે તમામ 26 બેઠકો જીતી નહીં શકે.
કોંગ્રેસ-આપ તેમાં ગાબડુ પાડશે. આમ આદમી પાર્ટીના નેતાએ એવો દાવો કર્યો કે વિપક્ષી ગઠબંધનથી ભાજપ ડરી ગયો છે. કારણ કે વિપક્ષોની સંયુક્ત તાકાત સામે ભાજપ-એનડીએ જીતી ન શકે. આ જ કારણથી વડાપ્રધાનથી માંડીને ભાજપના નેતાઓ વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરી રહ્યા છે.ઈશુદાનના આ વિધાનો વિશે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ટીપ્પણી કરવાનું ટાળ્યુ હતું. પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ કહ્યું કે આવો કોઈપણ નિર્ણય રાષ્ટ્રીય નેતાગીરી હસ્તક હોય છે અને તેમાં કોઈ ટીપ્પણી ન થઈ શકે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ પ્રવેશ કર્યો હતો અને તમામ બેઠકોમાં ઉમેદવારો ઉભા રાખતા ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. કોંગ્રેસ-આપના મતનું વિભાજન થવાને કારણે ભાજપને ફાયદો થયો હોય તેમ ગુજરાતના અત્યાર સુધીના ઈતિહાસમાં પ્રથમ વખત દોઢસોથી વધુ વિધાનસભા બેઠકોમાં વિજય હાંસલ કરીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.