Sihor
સિહોર મુસ્લિમ સમાજ દ્વારા ઈદ્-ઉલ-ફિત્રની કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવણી
દેવરાજ
ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરી મુસ્લિમ બિરાદરો દ્વારા પરસ્પર એકબીજાને મુબારકબાદી પાઠવાઈ : દેશની એકતા અને ભાઈચારા માટે દૂઆ મંગાઈ
સિહોર સહિત જિલ્લામાં ગઈકાલે સાંજે ચંદ્રદર્શન થતા આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ્-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ્)ની કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારના ઈદગાહ અને મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની વિશેષ નમાઝ અદા કરી દેશમાં એકતા અને ભાઈચારો જળવાય રહે તેમજ દેશના વિકાસ માટે દૂઆ માંગી હતી. મુસ્લિમ બિરાદરોએ પરસ્પર એકબીજાને ગળે મળી ઈદ્ની મુબારકબાદી પાઠવી હતી.
સિહોરના ગૌતનેશ્વર રોડ પર આવેલ ઇદગાહ ખાતે રમઝાન ઇદની વિશેષ નમાઝ સવારના 9 વાગ્યે પઢાવવામાં આવી હતી. સિહોરની તમામ મસ્જિદોમાં રમઝાન ઈદની નમાઝ મુસ્લિમ બિરાદરો દ્વારા અદા કરવામાં આવી હતી. આ વખતે રમઝાન માસના 29 રોજા થવા પામેલ છે. રમઝાન માસમાં પાંચ જુમ્મા (શુક્રવાર) આવતા મુસ્લિમ બિરાદરોનો ઉત્સાહ બેવડાયો હતો. રમઝાન માસ દરમિયાન ધૂપ-છાંવ જેવું વાતાવરણ રહેતા રોઝેદારોને રાહત થવા પામી છે. પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરોએ ગરીબોને જકાત-ખેરાત કરી પુણ્યનું ભાથું બાંધેલ છે. પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોએ પાંચ ટાઈમની નમાઝ ઉપરાંત મોટી રાત દરમિયાન કુર્રાન શરીફનું પઠન તેમજ રાતભર મસ્જિદોમાં ઈબાદત કરી હતી.
દરમિયાન ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં આવેલા પલ્ટા બાદ પણ સાંજના ચંદ્રદર્શન થતા આજે ઈદ્-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ્)ની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રમઝાન માસ દરમિયાન તમામ મસ્જિદોમાં રોજા ઈફતારીના કાર્યક્રમો યોજાયા હતા. તેમજ 27મું હરણી રોજૂ મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ સમાજના સદસ્યોએ પણ શ્રધ્ધાપૂર્વક રાખતા કોમી એકતાના દર્શન થવા પામેલ હતા.