Sihor
વિકરાળ બનતી ઢોરની સમસ્યા ; સિહોરના જાંબાળામાં રખડતા ઢોરે વધુ એક આધેડનો ભોગ લીધો, માર્ગો પર રખડતાં ઢોરના રૂપમાં મોત ઘૂમી રહ્યું છે
દેવરાજ
રખડતા ઢોરની અડફેટે હોમાતી અમૂલ્ય જિંદગી
સિહોર શહેર અને જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી રખડતા ઢોરની સમસ્યા ગંભીર બનવા છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. જ્યારે જ્યારે લોકરોષ ફાટી નીકળે ત્યારે ઔપચારિક રીતે રખડતા ઢોરને પકડીને છોડી મૂકવામાં આવે છે. પરંતુ આ રખડતા ઢોરને કારણે અનેક લોકની આંખો મિચાઈ ગઈ છે. છતાં પણ હજુ તંત્રની આંખો ખુલતી નથી.ખુદ સત્તાધારી પક્ષના લોકો પણ રખડતા ઢોરનો ભોગ બન્યા હોવા છતાં પણ હજુ સુધી તેનો કોઈ ઉકેલ લાવ્યા નથી. શહેરમાં વિકરાળ બનતી ઢોરની સમસ્યા બાબતે નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં છે ત્યારે શહેરમાં અનેક ગંભીર જીવલેણ અકસ્માતો બની રહ્યા છે.
પરંતુ પાલિકાને લોકોના જીવોની પડી નથી તેમ વધુ એક વૃદ્ધનો ભોગ ઢોરે લીધો છે જાંબાળા ગામના વૃદ્ધને ખુંટિયાએ હડફેટે લેતા વૃદ્ધ ઘટના સ્થળે મોતને ભેટ્યા હતા. આ ઘટનાથી ઢોરની સમસ્યાનો વિકરાળ અને બિહામણો ચહેરો લોકો સમક્ષ આવ્યો છે. શહેરના રાજમાર્ગો પર ઢોરનું રાજ અકબંધ છે. પાલિકાને જાણે તેઓ ગણકારતા જ ન હોય તેમ તમામ માર્ગો પર તેઓ પોતાની હાજરી નોંધાવે છે અને બેફામ બનીને લોકોને હડફેટે લઈ તેમનાં હાડકાં ભાંગે છે અને ઘણીવાર તો જીવ પણ લે છે છતાં પણ પાલિકાને આની કોઈ ગંભીરતા નથી.આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
સિહોરના જાંબાળા ગામે રહેતા ભરતભાઇ પુનાભાઈ સોલંકી આધેડ મોટર સાઇકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે જાંબાળા ગામ નજીક અચાનક ખૂંટિયો ગાડીની વચ્ચે આવીને પડ્યો હતો, જેમાં વૃદ્ધને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી વૃદ્ધને સારવાર માટે સિહોર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા બાદમાં તેમનું મૃત્યુ થતા પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ આ ઘટનામાં વૃદ્ધનો જીવ ગયો અને તંત્રનું ઢોર પ્રત્યેનું વલણ લોકો માટે ધીરે ધીરે જીવલેણ બનતું જાય છે જે ખૂબજ ખતરનાક છે.