Bhavnagar
ભાવનગરમાં ઢોરના કારણે અકસ્માત: પરિવારના એકના એક દિકરાનું મૃત્યુ
દેવરાજ
- ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થઇ ગયું, શ્રમિક પરિવારના શુભમ રમેશભાઇ ડાભી (ઉ.વ.૧૯)નું બાઇક આડે પશુ ઉતરતા બાઇક સ્લીપ થઇ જવાથી મોતથી અરેરાટી
ભાવનગર શહેરમાં રખડતા ઢોરની અડફેટે આવી જતા શ્રમિક પરિવારના એકના એક યુવાન દીકરાનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ શિવાલય ફ્લેટમાં ચોકીદારી કરતા રમેશભાઇ ડાભીના પુત્ર શુભમ રમેશભાઇ ડાભી ઉ.વ.19) પોતાની બાઇક લઇને ગૌશાળા પાસે તેના જુના ઘરે ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ મંત્રેશ કોમ્પેક્ષ પાસે આવેલ ચકુ તલાવડી નજીક ગાય આડી ઉતરતા શુભમનું બાઇક સ્લીપ થઇ જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
ઇજાગ્રસ્ત યુવકનું ટુંકી સારવાર બાદ મોત નિપજતા શ્રમિક પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. મૃતક યુવાન પરિવારમાં એકને એક દિકરો હતો જ્યારે તેનાથી મોટા તેના બહેન હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવે મૃતક યુવાન ના પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ જવા પામે છે.