Sihor
વ્યાજખોરથી પીડિત ખેડૂતને સોનગઢ પોલીસનો કડવો અનુભવ : સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા રવિન્દ્ર પટેલ સુધી રજુઆત
પવાર
સિહોર તાલુકાના રામધરી ગામે રહેતા ભુપતભાઈ કથીરીયા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમના બે સંતાનોમાં મોટો પુત્ર અક્ષય સુરતમાં રહે છે. જ્યારે નાનો પુત્ર ઈલેશ ભુપતભાઈ પાસે રહે છે. ઈલેશ મનસ્વી સ્વભાવનો હોવાથી તેની મરજી મુજબ જીવતો અને ગમે તે લોકો પાસેથી વ્યાજે પૈસા લઈને અવાર-નવાર લેણા કરતો હતો. જે બાબતથી પિતાએ કંટાળીને વર્ષ 2014માં ન્યૂઝપેપરમાં નોટીસ આપી હતી કે, ઈલેશ અમારા કહ્યામાં નથી, તેની સાથે અમારો કોઈપણ પ્રકારનો વહીવટ કે વ્યવહાર નથી. મારી મીલકતમાંથી તેને બેદખલ કર્યો છે. જેથી તેની સાથે કોઈ પણ વ્યક્તિએ નાણાકીય વ્યવહાર કરવો નહીં, આમ છતાં કોઈ વ્યવહાર કરશે તો તેની જવાબદારી વ્યવહાર કરનારાની રહેશે. ખેડૂત ભુપતભાઈ પાસે અઠવાડીયા પહેલા દિપક જોશી અને લાલા જોશી નામના બે વ્યક્તિઓ આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, તમારા પુત્ર ઈલેશને અમે ગાડી આપાવી છે. તેના રૂપિયા 3 લાખ તમારે આપવાના છે. જેથી ભુપતભાઈ જણાવ્યું હતું કે, તેમના પુત્ર સાથે વર્ષ 2014થી જ સંબંધો પુરા કરી નાખ્યા છે. આ લેણા માટે તેમણે જવાબદાર નથી, તેવુ કહેતા જ દિપક અને લાલો ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે, તમારે પૈસા તો ગમે તેમ કરીને આપવા જ પડશે, જો પૈસા નહીં આપો તો પરિણામ સારૂ નહીં આવે અને તમારો છોકરો ખોઈ બેસશો તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.
ત્યાર બાદ દિપક ભુપતભાઈને વારંવાર ફોન કરીને પૈસાની ઉધરાણી કરી ધમકી આપતો હતો. સમગ્ર મામલે ભુપતભાઈ ભાવનગરના સોનગઢ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી કે, તેમણે ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, દિપક અને લાલાને અમે પૈસા ચુકવી શકીએ તેમ નથી, આ લોકો જમીન વેચીને અથતા તેમને લખી દેવાની ધમકીઓ આપે છે. પુત્રએ જે રકમ લીધી હશે તે અંગે મને કોઈ જાણકારી નથી, તેમ છતાં આ બંને લોકો ધમકીઓ આપીને પૈસા પડાવા માટે દબાણ કરે છે. જો કે આ મામલે વ્યાજખોરોથી પીડીત ભુપતભાઈ સોનગઢ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી હતી. ભુપતભાઈનો આક્ષેપ છે કે, પોલીસ સ્ટેશનમાં અરજી આપ્યા બાદ PSI ડાંગરે મને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો, જ્યાં PSIએ કહ્યું હતું કે, ક્યાં છે તમારો છોકરો તમે બાપ દિકરો ચીટીંગ કરે છે, ચીટીંગની અરજી લઈને આને બેસાડી દો, ત્યારબાદ પોલીસની હાજરીમાં મારે એક લાખ રૂપિયા આપવાના છે, તેવું લખાણ કરાવીને મારી સહી લીઘી હતી, આ લખાણ કરાવ્યા પછી મારા ફોન પર પોલીસવાળોનો ફોન આવ્યો હતો કે, સાંજ સુધીમાં દિપકના પૈસા આપી દો. સમગ્ર મામલો જિલ્લા પોલીસવડા સુધી પોહચ્યો છે..
ચોરીની ઘટનામાં SPને રજૂઆત કર્યા પછી ફરિયાદ નોંધાઈ
સિહોર વિસ્તારમાં ગત શનિવારે ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ગઢુલા ગામે એકલા રહેતા વૃદ્ધ મહિલા ખેતીકામ કરીને ઘરે પરત આવ્યા હતા, ત્યારે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને સોના-ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે સોનગઢ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવા જતાં મહિલાને પોલીસનો કડવો અનુભવ થયો હતો. કારણ કે, ચોરી જેવી સામાન્ય બાબતમાં પણ વૃદ્ધાને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. આખરે આ મામલાની જાણ જિલ્લા પોલીસ વડાને કરવામાં આવતા સોનગઢ પોલીસે આજે વૃદ્ધાની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે.