Bhavnagar
ભાવનગરના પીઢ પત્રકાર,કવિ અને સાહિત્યકાર અનંતભાઈ વ્યાસ ‘સ્મિત’ નું ૯૦ વર્ષની વયે નિધન

કુવાડિયા
- ભાવનગરની પત્રકાર આલમ અને સાહિત્ય ક્ષેત્રે મોટી ખોટ પડી
ભાવનગરના પીઢ પત્રકાર,કવિ અને સાહિત્યકાર અનંતભાઈ વ્યાસ ‘સ્મિત’ નું આજે વહેલી સવારે નિધન થતા ભાવનગરની પત્રકાર આલમ અને સાહિત્ય ક્ષેત્રે મોટી ખોટ પડી છે. ભાવનગરના પીઢ પત્રકાર,કવિ અને સાહિત્યકાર અનંતભાઈ લાભશંકરભાઈ વ્યાસ ‘ સ્મિત’ નું આજે વહેલી સવારે ૯૦ વર્ષની વયે નિધન થયું હતું. સાયકોલોજી વિષય સાથે બી.એ.સુધીનો અભ્યાસ કરી અનંતભાઈ વ્યાસે યુવા વયે જ તેમની કલમ ચલાવવાની શરૂ કરી હતી. પત્રકાર તરીકે સમીસાંજ દૈનિકમાં જોડાઈને કારકિર્દી શરૂ કરનાર અનંતભાઈએ ભાવનગર ખાતે વર્ષો સુધી અમદાવાદના દૈનિકપત્ર સંદેશના ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી તેમજ સંદેશની ભાવનગર આવૃત્તિના ચીફ એડિટર તરીકે વર્ષ ૨૦૦૧ સુધી કાર્યરત રહ્યા હતા. આ ઉપરાંત ભાવનગરના લોકરાજ, પગદંડી,સમીસાંજ દૈનિકના સવારના સમાચારપત્ર સુપ્રભાત દૈનિકમાં પણ સેવા આપી હતી.
તેમના સમયના શ્રીરંગ,રંગતરંગ સહિતના મેગીઝીનમાં પણ તેમના લેખ પ્રસિદ્ધ થતા હતા. તેમણે ભાવનગરની લોકલ ન્યૂઝ ચેનલમાં પણ સેવા આપી હતી. પત્રકારત્વ ક્ષેત્રે પાંચ દાયકા સુધી કાર્યરત અનંતભાઈ વ્યાસે સાહિત્ય ક્ષેત્રે પણ મોટું યોગદાન આપ્યું હતું.ખાસ કરીને બાળમાનસ ઉપર તેમણે બસ્સોથી પણ વધુ લેખ લખ્યા હતા અને તેમણે લખેલા પુસ્તકો પણ પ્રકાશિત થયા હતા.અનંતભાઈ વ્યાસના નિધનથી ભાવનગરના પત્રકાર અને સાહિત્યક્ષેત્રને મોટી ખોટ પડી છે. સ્વ. અનંતભાઈ વ્યાસ ના નિધન અંગે સર્વશ્રી તારકભાઈ શાહ, સુરેશભાઈ ત્રિવેદી , વિપુલભાઈ હિરાણી, કિરણભાઈ ગોહેલ, નરેન્દ્રભાઈ ચુડાસમા ,બકુલભાઈ ચતુર્વેદી વિગેરે સીનીયર પત્રકારોએ દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે