Bhavnagar
ભાવનગર ; ડમીકાંડનો મુદ્દો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો, ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ મોટા ખુલાસા થવાની શક્યતા

કુવાડિયા
રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા રાજ્યવ્યાપી ડમીકાંડમાં દર દિવસે નવાંનવાં ખુલાસા થઈ રહ્યાં છે. ડમીકાંડ કૌભાંડ ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર તેના નજીકના સાથી દ્વારા ૪૫ લાખનો તોડ કર્યો હોવાના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઈ સમ્રગ ડમીકાંડ કેસમાં SIT ટીમ દ્વારા તપાસ કરાઈ રહી છે. ડમીકાંડનું એપી સેન્ટર બનેલા ભાવનગર ખાતે SIT દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં હજુ 70 થી વધુ લોકો આ ડમી કૌભાંડમાં સામેલ છે તેવી માહિતી એક લેપટોપ આધારે મળી છે. અત્યાર સુધી ભાવનગરમાં ડમીકાંડ કેસમાં 36 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને 4 આરોપીઓને ઝડપી લેવાયા છે. કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ પણ મેળવી લેવાયા છે. જ્યાં તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. સાથે જ સંજય પંડ્યા નામના આરોપીની પણ ગતરોજ કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમી ખાતેથી અટકાયત કરવામાં આવી હતી.
જેમાં સંજય એકેડમી ખાતે પી.એસ.આઈ.ની ટ્રેનિંગ લઈ રહ્યો હતો પરંતુ અગાઉ તેણે અક્ષય નામના યુવાનના ડમી ઉમેદવાર તરીકે બીનસચિવાલયની પરીક્ષા આપી હતી. હાલ અક્ષય પણ બિનસચિવાલયમાં ફરજ બાજવી રહ્યો છે. ઉપરાંત SITની ટીમે અક્ષય બારેયા નામના એક શખ્સને પણ ઝડપી પાડ્યો છે. યુવરાજસિંહ સામે સનસનીખેજ આરોપ કરનાર બિપીન ત્રિવેદી છેલ્લા બે દિવસથી ગાયબ હતો. તેની ગતરાત્રિએ સિંહોર નજીક થી SIT ટીમે અટકાયત કરી, તેની પૂછપરછ હાથ ધરી છે. હવે જો બિપીન ત્રિવેદી કોઈ આધાર પુરાવા SIT સમક્ષ રજૂ કરે તો યુવરાજસિંહ સામે ફરિયાદ દાખલ થઈ શકે છે. ભાવનગર ડમીકાંડ ઘટનાને લઈ રાજ્યનું ગૃહવિભાગ એકશન મોડમાં જોવા મળી રહ્યું છે. જે મામલે બે કલાક ગૃહવિભાગની ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી હતી. આ બેઠકમાં ATS ના વડા દીપેન ભદ્ગ અને ભાવનગરના રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ડમી કૌભાંડના ગાજેલા પ્રકરણમાં છેલ્લાં એક અઠવાડિયાથી નવાં-નવાં ખુલાસાઓ થઈ રહ્યા છે. બિપીન ત્રિવેદીના વિડિયોમાં કેટલી સત્યતા છે? તેના દ્વારા યુવરાજસિંહ પર કરેલા આક્ષેપમાં કેટલું તથ્ય છે? તેના પર હવે સૌની મીટ મંડાઈ છે.