Bhavnagar
ભાવનગર : રખડતાં ઢોરના કારણે વધુ એક મહિલાનું મોત નિપજ્યું

પવાર
રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક અટકવાનું નામ નથી લઈ રહી. રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટે કડક કાર્યવાહી કરવા માટે તંત્રને આદેશ કર્યા બાદ પણ ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.ત્યારે રખડતા ઢોરના કારણે વધુ એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ભાવનગરની મહિલાને ઢોરે અડફેટે લેતા મોત નિપજ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર, ગત ૧૧ એપ્રિલના દિવસે કાજલબેન પંકજભાઈ શિયાળ નામના મહિલા તેમના પતિ અને બાળક સાથે બાઈક પર બેસી ભડી ગામથી પ્રસંગમાંથી ભાવનગર આવી રહ્યાં હતાં. આ દરમિયાન તેમણે અધેવાડા ગામ પાસે પહોંચતા ત્યાં બે ઢોર જાહેર માર્ગ પર બાખડી રહ્યા હતા. આ દરમિયાન ઢોરે તેમની બાઈકને અડફેટમાં લેતા બાઈક પર સવાર મહિલા તેમના પતિ અને બાળક રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મહિલાને ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે આજે કાજલબેનનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મહિલાનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ઉપરાંત બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. ઢોરના કારણે અવાર-નવાર થતાં અકસ્માતમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, છતાં તંત્ર દ્વારા કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી? તે એક મોટો સવાલ છે.