Bhavnagar
ભાવનગર ; જિલ્લામાં એપ્રિલના ચોથા સપ્તાહની સ્વાગત સપ્તાહ તરીકે ઉજવણી કરાશે

પવાર
એપ્રિલમાં ‘સ્વાગત કાર્યક્રમ’ને 20 વર્ષ પૂરાં થઇ રહ્યા છે
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત 24 એપ્રિલ 2003ના રોજ કરવામાં આવી હતી. એપ્રિલમાં કાર્યક્રમને 20 વર્ષ પુર્ણ થાય છે, જે નિમિત્તે ભાવનગર જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહને ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવશે. સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત 29 એપ્રિલ સુધી અવેરનેશ કાર્યક્રમ તેમજ ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજશે. જેમાં 17 એપ્રિલ દરમ્યાન ગ્રામ સ્વાગત માટેના પ્રશ્નો સ્વીકારવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ તાલુકાના જિલ્લા પંચાયતની સીટના મોટા ગામમાં યોજવામાં આવશે. ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં મળેલ અરજીઓનો તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરી ઝડપી નિરાકરણ લાવવામાં આવશે. 24થી 26 એપ્રિલ દરમ્યાન જિલ્લાભરમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
તાલુકા સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, અધિક નિવાસી કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની અધ્યક્ષતામાં યોજાશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને રાજય સરકારની વિવિઘ યોજનાઓની માહિતી આપતા સાહિત્ય- પુસ્તકો અપાશે. 27 એપ્રિલના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમમાં તાલુકા સ્વાગતમાં લેવાયેલ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવશે. તાલુકા કક્ષાએ હલ ન થયેલ પ્રશ્નનો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લઇ નિરાકરણ કરાશે. જિલ્લા સ્વાગતના પેન્ડિંગ પ્રશ્નોની જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. 27 એપ્રિલના રોજ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને રાજય સ્વાગત કાર્યક્રમ યોજાશે. રાજય સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા સ્વાગત, તાલુકા સ્વાગતમાં સપ્તાહ દરમિયાન થયેલ પ્રશ્નો અને તેના નિકાલ અંગેની સમીક્ષા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ માસમાં જ કાર્યક્રમને 20 વર્ષ પુરા થઇ રહ્યા છે.