Bhavnagar
ભાવનગર ; ગટરના ગંદા પાણી મામલે રજુઆત કરતી મહિલાઓ સાથે નગરસેવીકા પતિની દાદાગીરી
બરફવાળા
- રજુઆત માટે પહોંચેલી મહિલાઓ સાથે નગરસેવીકા પતિની દાદાગીરી, રજુઆતકર્તાઓને ધમકાવીને કહ્યું મીડિયા બોલાવ્યું છે તો મીડિયા ને કહો આ કામ હવે કરી દે
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી ગોલ્ડન સીટી સોસાયટી અને આજુબાજુની અન્ય સોસાયટીઓમાં છેલ્લા બે માસથી ગટર ઉભરાવવાની સમસ્યા આ વિસ્તારના રહીશો ને પરેશાન કરી રહી છે જ્યારે છેલ્લા એક માસથી આ વિસ્તારમાં ગટરનું પાણી પીવાના પાણી સાથે ભળી જતા વધુ હાલાકીનો સામનો આ વિસ્તારના લોકોને કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક મહિલા કોર્પોરેટરને આ મામલે રજુઆત કરતા સમયે મીડિયાની હાજરીથી નગરસેવીકાના પતિ ઉકળી ઉઠ્યા હતા અને આ કામ હવે મીડિયા બોલાવ્યું છે તો મીડિયા પાસે કરાવી લો તેવી ધમકી આપી હતી.
જ્યારે જેનો કોઈ હક્ક નથી એવા નગરસેવીકા પતિના આ વર્તન થી આ વિસ્તારના લોકોમાં રોષ ભભૂક્યો છે. ભાવનગર શહેરનું કાળિયાબીડ કે જ્યાં હાલ અનેક મોટી સોસાયટીઓમાં લોકો વસવાટ કરે છે.આ વિસ્તારમાં આવેલી ગોલ્ડન સીટી સોસાયટી અને આજુબાજુની અન્ય સોસાયટીઓમાં છેલ્લા બે માસથી ગટરનું પાણી બહાર ઉભરાઈ અને બહાર આવી રહ્યું છે.આ પાણી હવે પીવાના પાણીની લાઈનોમાં ભળી જતા હવે પીવાનું પાણી પણ ભારે દુર્ગંધ વાળું આવે છે. જ્યારે આ સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં હોય આ ગંધાતુ પાણી ઘરની ચોકડી કે સોસાયટીની ગટરોમાંથી ઉભરાયને બહાર આવી રહ્યું છે. અનેકવાર રજુઆત બાદ પણ પીવાના શુદ્ધ પાણી અંગે હજુ કોઈ નિકાલ નથી આવ્યો જેથી આ સોસાયટીઓ લોકોને સ્વખર્ચે ટાંકા મંગાવવા પડે છે જેથી વેરો ભરતા હોવા છતાં વધુ રૂપિયા ખોટા આ વિસ્તારના લોકોના ખર્ચાય છે.
આ અંગે નગરસેવીકા ને પાણીની વ્યવસ્થા અંગે જ્યાં સુધી લાઈનો રીપેર ન થાય ત્યાં સુધી મહાનગરપાલિકાના ટાંકા મોકલવા કહ્યું હતું પણ ટાંકાઓ નગરસેવીકાના મળતીયા ના ઘરોમાં જ પહોંચ્યા હતા અને અન્ય લોકોને ભારે મુશ્કેલી અને આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. આ દુર્ગંધ મારતા આ પાણી ને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય આ અંગે તંત્રના લોકોને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી તેમજ આ વિસ્તારની મહિલા નગરસેવીકા શારદાબેન મકવાણાને પણ અગાઉ રજુઆત કરી હોય હજુ સુધી આ ગટરના ઉભરાતા કે પીવાના પાણીની લાઈનોમાં ભળી ગયેલા ગંદા પાણીનો કોઈ ઉકેલ નથી આવ્યો અને માત્ર મૌખિક વાતો ને લઈ આજે આ વિસ્તારની મહિલાઓ મીડિયા ને સાથે રાખી નગરસેવીકાને રજુઆત માટે પહોંચી હતી.
જ્યાં ચા કરતા કીટલી ગરમ જેવો ઘાટ જોવા મળ્યો હતો.મહિલાઓની રજુઆત સમયે મીડિયાની હાજરીથી નગરસેવીકાના પતિ નાગજીભાઈ મકવાણા ઉકળી ઉઠ્યા હતા અને કવરેજ સમયે જ મહિલાઓ ને ધમકાવી કહ્યું કે અમો કામ કરી રહ્યા છીએ પણ હવે જ્યારે મીડિયા ને બોલાવ્યું છે તો મીડિયા ને કહો આ કામ કરે.ત્યારે હવે સવાલ એ થાય છે કે પ્રજાનું પ્રતિનિધિ કોણ?જેનો કોઈ હક્ક નથી એવા નગરસેવીકા ના દોઢા પતિ ની આ દાદાગીરી સામે કોઈ પગલાં લેવાશે કે કેમ?મીડિયા લોકોને પડતી હાલાકીને લઈ તેની સમસ્યા તંત્ર સુધી પહોંચાડવા ની કામગીરી કરે છે ત્યારે કામ ન કરવા અને લોકોને ખોટા વાયદાઓ આપી મૂર્ખ બનાવતા આવા નગરસેવીકા ના પતિ સામે પક્ષ કે તંત્ર કોઈ કાર્યવાહી કરે તેમજ સૌથી પહેલા આ વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે.