Gujarat
ભાવનગર ; અનેક ગેંગને ભોંભીતર કરી દેનારા-હજારો પોલીસ કર્મીના ‘આઈડલ’ અને અશ્વોના ‘નાડપારખું’ પૂર્વ IPS આર.ડી.ઝાલાનું નિધન
કુવાડિયા
ભાવનગર અને રાજકોટમાં તેમના નામે હોર્સ રાઈડિંગ ક્લબ કાર્યરત જેના થકી અનેક ઘોડેસ્વારો થઈ રહ્યા છે તૈયાર : 88 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્ર્વાસ : 28 વર્ષ પહેલાં ગોધરાના એસપી તરીકે થયા હતા નિવૃત્ત : ડીજીપી વિકાસ સહિતના અધિકારીઓએ પાઠવેલી શ્રદ્ધાંજલિ: સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ગુજરાતમાં ભાગ્યે જ એવા આઈપીએસ અધિકારી જોવા મળશે જેમને નિવૃત્ત થયા બાદ પણ પોલીસ વિભાગ તેમની કાબીલેદાદ કામગીરી બદલ યાદ કરતો હશે. આવા જ એક અધિકારી મૂળ ભાવનગરના પૂર્વ આઈપીએસ આર.ડી.ઝાલા હતા જેમને ઘણા બધા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ‘આઈડલ’ માનતા હતા. પૂર્વ આઈપીએસ અધિકારી આર.ડી.ઝાલાએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક ખૂંખાર ગેંગને ભોંભીતર કરવા ઉપરાંત એવી યાદગાર કામગીરીઓ કરી છે જેને પોલીસ વિભાગ ક્યારેય ભૂલી શકશે નહીં. આ ઉપરાંત તેઓ અશ્વોના ‘નાડપારખું’ તરીકે પણ સમગ્ર ગુજરાતમાં ખ્યાતિ પામ્યા હતા. દરમિયાન ગઈકાલે સાંજે 88 વર્ષની ઉંમરે તેમણે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્ર્વાસ લેતા પોલીસ વિભાગમાં શોક વ્યાપી જવા પામ્યો છે. આર.ડી.ઝાલાનો જન્મ ભાવનગરમાં થયો હતો અને તેઓ 1958ની સાલમાં પોલીસ વિભાગમાં જોડાયા હતા. આ પછી તેમણે અનેક લૂંટારુ, ધાડપાડુ ગેંગને પકડવા સહિતની ઉમદા કામગીરી કરી હતી.
રઘુરાજસિંહ દિલીપસિંહ ઝાલા કે જેમને આર.ડી.ઝાલા તરીકે પોલીસ વિભાગ ઓળખતો હતો જેઓ 28 વષ પહેલાં ગોધરા એસપી તરીકે નિવૃત્ત થયા હતા છેલ્લા ઘણા સમયથી તેમની તંદુરસ્ત નાદૂરસ્ત રહેતી હોવાથી મુશ્કેલી પડી રહી હતી. થોડા સમય પહેલાં ઈન્ચાર્જ ડીજીપી વિકાસ સહાયે આર.ડી.ઝાલાની તેમના નિવાસસ્થાન પર જઈને મુલાકાત કરી હતી અને ખબર-અંતર પૂછયા હતા. માત્ર વિકાસ સહાય જ નહીં બલ્કે હાલના અનેક આઈપીએસ અધિકારીઓ એવા છે જેઓ આર.ડી.ઝાલાને પોતાનો આદર્શ માને છે અને તેમના જેવી કામગીરી કરવા માટે પ્રેરાય છે. આર.ડી.ઝાલા અશ્વોના ‘નાડપારખું’ ગણાતા હતા. અશ્વો પ્રત્યેનો તેમનો પ્રેમ આખા ગુજરાતમાં જાણીતો છે. તેમના નામે હોર્સ રાઈડિંગ ક્લબ ચાલી રહી છે જેમાં અશ્ર્વદળના પોલીસ જવાનો ઉપરાંત અન્ય લોકો પણ ટ્રેનિંગ મેળવી રહ્યા છે. ભાવનગરમાં પણ આર.ડી.ઝાલાના નામે હોર્સ રાઈડિંગ ક્લબ કાર્યરત છે જ્યાંથી અનેક અશ્ર્વસ્વારો તૈયાર થઈ રહ્યા છે. આજે સવારે તેમના નિવાસસ્થાનેથી નીકળેલી સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દરમિયાન ડીજીપી વિકાસ સહાયે પણ ટવીટ કરીને આર.ડી.ઝાલાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી તો ભાવનગર સહિત રાજ્યના પોલીસ અધિકારીઓએ પણ તેમના નિધન બદલ શોકની લાગણી વ્યક્ત કરી હતી.