Bhavnagar
ભાવનગર શહેર, જિલ્લા ભાજપના પ્રમુખોએ રાજીનામા ધરી દીધા ; બંને સંગઠનોનું વિસર્જન
કાર્યાલય
- પ્રમુખ પદ માટે ગોડફાધરોની પણ ખેંચતાણ ; નવા પ્રમુખ માટે ક્ષત્રિય અને વણિક સમાજમાંથી નિયુક્તિ માટે વિચારણા, ગણતરીના દિવસોમાં થશે નિમણૂક
છેલ્લા લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે અંત આવતા અંતે ભાવનગર શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખો પાસેથી રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. નજીકના દિવસોમાં જ નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે. નવા પ્રમુખો માટે ભાવનગર શહેરમાં વણિક અને ક્ષત્રિય સમાજમાંથી પ્રમુખ પદ આપવા માટે વિચારણા ચાલી રહી છે. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા જ ભાવનગર શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખને બદલાવવા માટેના ચક્રો ગતિમાન થયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયા ચૂંટણી પહેલા જ અનેક વિવાદોમાં ફસાયા હતા. તત્કાલીન સમયે તેઓએ રાજીનામું પણ આપ્યું હતું પરંતુ પ્રદેશમાંથી સ્વીકારવામાં આવ્યું ન હતું. જ્યારે શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા પણ વિવાદમાં સપડાઈ ગયા હતા ત્યારબાદ તેમના પત્ની સેજલબેન પંડ્યાને પૂર્વ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપે ટિકિટ આપતા રાજીવભાઈ પંડ્યાનું પ્રમુખ પદે થી રાજીનામું લેવામાં આવ્યો હતો અને ચૂંટણીમાં થયેલી ક્ષત્રિય સમાજની નારાજગીની આળપંપાળ માટે ઇન્ચાર્જ તરીકે ક્ષત્રિય સમાજમાંથી ભાજપ મહામંત્રીને નિમણૂક આપી હતી.
અને રાજ્યમાંથી અન્ય શહેર જિલ્લાના ભાજપના પ્રમુખો પાસેથી રાજીનામાં લેવામાં આવતા હતા ત્યારે આજે ભાવનગર શહેર ભાજપ પ્રમુખ પદેથી રાજીવભાઈ પંડ્યા અને જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી મુકેશભાઈ લંગાળીયાનું રાજીનામું લેવાયું હતું.શહેર ભાજપના નવા પ્રમુખ માટે વણિક સમાજમાંથી તેમજ ક્ષત્રિય સમાજ પર પસંદગી ઉતારવાની વિચારણા ચાલતી હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજકીય ચર્ચા મુજબ નવા પ્રમુખ માટે અભયભાઈ ચૌહાણ, ડી.બી.ચુડાસમા, જે.પી. ગોહિલ, ભરતસિંહ ગોહિલ, યોગેશભાઈ બદાણી,અમોહભાઇ શાહ, મહેશ રાવળ સહિતના નામ ચર્ચામાં છે. જોકે ભાજપના રાજકારણમાં જ્યાં સુધી પ્રદેશમાંથી પ્રમુખ પદે નિયુક્તિ ન આપે ત્યાં સુધી તમામ પાસા માત્ર અટકળો જ બની રહે છે. ભાવનગર શહેર અને જિલ્લા માટે શહેરના બંને ધારાસભ્યો, સાંસદ, કેબિનેટ મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને મંત્રી પૈકી કોનું પ્રદેશમાં ઉપજે તે જોવું રહ્યું.