Bhavnagar
ભાવનગર શહેર કોંગ્રેસનો પેપરલીક મુદ્દે ઉગ્ર વિરોધ : રેલી, આવેદન, રજુઆત
દેવરાજ
ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા સમાન વારંવાર પેપર લીકની ઘટના થઈ રહી છે. ભાવનગર શહેરના જશોનાથ ચોકથી કલેક્ટર કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરી રેલી યોજવામાં આવી હતી. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસે પોતાના આવેદનમાં કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકાર ભ્રષ્ટાચારની તમામ હદો વટાવી ચુકી છે. વધુ એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યું છે. તાજેતરની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ૯ લાખથી વધુ વિધાર્થીઓના ભવિષ્ય રોળાયા છે, સપના તૂટ્યા છે. “કોઈ ચમરબંધીને છોડવામાં નહી આવે” તેવી માત્ર મોટી મોટી વાતો કરતી ભાજપ મુખ્ય સુત્રધાર ચમરબંધીને પકડવામાં નિષ્ફળ નીવડી છે. ઘણા લાંબા સમયથી ઉજ્જવળ ભવિષ્ય આર્થિક ઉત્થાન માટે યુવાનો પોતાના ઘરથી દુર રહી, કલાસીસ, જમવા, રહેવા પાછળ ખુબ ખર્ચ કરે છે અને ભાજપ સરકાર પારદર્શક સમયસર સુરક્ષિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાને બદલે ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે.
ગુજરાત સ્ટેટ લો કમિશનના સ્પષ્ટ તારણો છતાં ભાજપ સરકાર કડક જોગવાઈ સાથેનો કાયદો ઘડવામાં ઉણી ઉતરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર માટે વિવિધ પરીક્ષાર્થીઓ પાસેથી લાખો રૂપિયાનો વેપાર બહાર આવ્યો છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા પણ રૂપિયા ૯ લાખમાં પેપર વેચાયાનું બહાર આવ્યું છે, તેમ છતાં આ અંગે મુખ્યમંત્રી અથવા પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવાની તસ્દી લેવાઈ નથી કે કોઈ બાંહેધરી પણ આપવામાં આવી નથી જે ખુબ જ દુઃખદ બાબત છે. ભાજપ સરકારમાં વારંવાર પેપર ફોડવા માટે ઓર્ગેનાઈઝડ ગેંગ કામ કરી રહી હોય તેમ સ્પષ્ટ થતું જાય છે
- સમગ્ર કૌભાંડમાં દેખાડા પુરતી કલમો – કોંગ્રેસ
કોંગ્રેસે આક્રમક થતા કહ્યું કે, પંચાયત સેવા પસંદગી મંડળ ફક્ત ભ્રષ્ટાચારઓ માટે જ કામ કરતું હોય તેવું લાગે છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મળતિયાઓને પાછલા બારણે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પેપર ફૂટ્યાનું સ્વીકાર્યા બાદ નાની માછલીઓને પકડીને મોટા મગર-મચ્છને છોડી દેવામાં આવે છે. પેપર ફૂટવાના સમગ્ર કૌભાંડમાં દેખાડા પુરતી જ કલમો ઉમેરવામાં આવી છે. સરકારની આવી કામગીરીના લીધે સરકાર ઉપર શંકા ઉભી થાય છે. દર વખતે જ્યારે-જ્યારે પેપર ફૂટે છે ત્યારે ઔપચારિક પુરતી ફરિયાદ દાખલ થાય છે અને માત્ર લાભાર્થી અથવા તો પેપરનો ફેલાવો કરવાવાળા લોકો પકડાય છે પરંતુ સમગ્ર ઘટનાના મૂળ સુધી જવાનો પ્રયત્ન ક્યારેય થયો નથી. ભૂતકાળમાં જેટલી વખત પેપર ફૂટવાની ઘટનાઓ બની છે તેમાંથી બોધપાઠ લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચ્યા હોત તો કૌભાંડીઓ ઉપર દાખલો બેસાડી શકાયો હોત પરંતુ તેવું ન થવાના લીધે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થયા કરે છે.