Bhavnagar
ભાવનગર તોડકાંડ : યુવરાજસિંહ જેલ હવાલે , કોર્ટમાં જતાં પહેલાં કહ્યું, આ તો શરૂઆત છે, અંત બાકી છે, પાંચ પાંડવો પણ આવશે…
બરફવાળા
યુવરાજસિંહ ઉપરાંત તેના સાળા કાનભા અને અલ્ફાઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા, યુવરાજસિંહે કહ્યું કે, આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી, હજુ લડવાનું છે, તોડકાંડમાં છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી
ડમીકાંડ બાદ સામે આવેલા તોડકાંડને લઈ મામલો ગરમાયો છે યુવરાજસિંહને જેલભેગા કરવામાં આવ્યા છે. આ અગાઉ એસઆઈટીએ અગાઉ તેના બે સાળા કાનભા અને શિવુભાને પણ દબોચ્યા હતા ત્યારે નાસતા ફરતા રાજુ નામની વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે અને આ કેસમાં તમામ ૬ આરોપીઓ પોલીસના સકંજામાં આવી ચૂક્યા છે. ડમીકાંડમાં બે ઉમેદવારોના નામ દબાવી દેવા માટે રૂા . ૧ કરોડની ડીલ કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ પોલીસે કર્યો હતો અને તેના પૂરાવા પણ કબજે કર્યા હતા. પોલીસે આ કેસમાં કુલ ૭૬ લાખ ૬૦ હજાર રિકવર કર્યા છે . યુવરાજસિંહે કોર્ટમાં પહોંયતાં કહ્યું કે , આ તો શરૂઆત છે, અંત બાકી છે, પાંચ પાંડવ પણ આવશે અને ઘણું બધું બહાર આવશે, હજુ લડવાનું છે.
સરકારની વિવિધ ભરતીઓમાં ડમી ઉમેદવારો બેસાડીને પરીક્ષા પાસ કરવાના કૌભાંડનો વિધાર્થી નેતા યુવરાજસિંહે પર્દાફાશ કર્યો હતો, બાદમાં યુવરાજસિંહને એસઓજીએ સમન્સ પાઠવ્યું હતું અને બાદમાં તેની પૂછપરછ કરાયા બાદ આ કેસમાં તોડકાંડ સામે આવ્યો હતો. જેમાં ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમારે તમામ પૂરાવા આપ્યા હતા અને બાદમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં યુવરાજસિંહના સાળા કાનભાને સુરતમાંથી પકડી લેવામાં આવ્યા હતા અને તેના મિત્રના ઘરે ભાવનગર મૂકેલા ૩૫.૩૮ લાખ રિકવર કરવામાં આવ્યા હતા. બાદમાં શિવુભાએ પણ સરેન્ડર કર્યું હતું અને તેની પાસેથી રૂ।.૨૫ લાખ રિકવર કરાયા હતા. આજે રિમાન્ડ પૂરા થતાં યુવરાજસિંહને જેલ હવાલે કરવામાં આવ્યા હત ત્યારે મીડિયા સામે તેણે કહ્યું હતું કે, આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી અંત બાકી છે અને ઘણું બધું બહાર આવશે. યુવરાજસિંહ ઉપરાંત તેના સાળા કાનભા અને અલ્ફાઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરાયા છે..