Bhavnagar
ભાવ સાથે ભણતરનું ભાથુ : ફૂટપાથના બાળકો માટે ચાલતી ભાઈબંધની નિશાળ
કુવાડિયા
એબીસીડી, ઘડિયા, સંસ્કૃત મંત્રો સાથે લખતા વાચતા શીખ્યા, ભાવનગરમાં 7 વિદ્યાર્થીથી શરૂ થયેલ અલાયદી રાત્રી શાળામાં હાલ 34 ભાઈબંધ અભ્યાસ સાથે પગભર થવાની તાલીમ મેળવે છે
ભાવનગર ખાતે ફૂટપાથ પર વસતા પરિવારોના બાળકોને શિક્ષણ – સંસ્કાર આપવા તેમજ તેઓનું શોષણ અટકાવી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાના પવિત્ર હેતુ સાથે શરૂ કરેલી નિઃશુલ્ક નિશાળ એટલે ભાઈબંધની નિશાળ ૨ ઓકટોબર ૨૦૧૯ થી ૭ વિદ્યાર્થીઓ સાથે,ભાવનગર શહેરના સરદારબાગ (પિલ ગાર્ડન) ખાતે નિયમિત સ્વરૂપે દરરોજ સાંજે ૭થી૧૦ દરમ્યાન શાળા શરૂ થયેલી આ શાળામાં હાલ ૩૪ જેટલા (વિદ્યાર્થીઓ) અભ્યાસ કરે છે. આ અનોખી નિશાળમાં શિક્ષણ, સંસ્કાર, અન્ય વિષયો સાથે વ્યવહારિક તથા વ્યવસાયિક જ્ઞાાન અપાય છે.અહી દરેક દિવસનું અલાયદું ટાઇમ ટેબલ છે જે અંતર્ગત લેખન,પઠન,ભારતીય રમતો,ચિત્ર,યોગા,ચેસ,ડાન્સ,ગીત સંગીત વિગેરે જેવા અનેક વિષયોનું જ્ઞાાન આપવાનો પ્રયાસ થાય છે. આવશ્યકતા અનુસાર વિવિધ વિષયોના તજજ્ઞાોની પણ સેવા લેવામાં આવે છે.આજ દિન સુધીમાં કુલ ૧૨૯૫ દિવસ દરમ્યાન ૩૫૦૦ કરતા વધુ કલાકોનું વિદ્યાદાન આપી વિવિધ આવશ્યક વિષયોનું શિક્ષણ સાથે સામજિક વ્યવહાર,સંસ્કારો સહિતનું જ્ઞાાન આપવાનો સંનિ પ્રયાસ થઈ રહ્યો છે.આજ દિન સુધીમાં (ભાઈબંધો) વિદ્યાર્થીઓ ૧૦૦ એકડા,કક્કો,એસ ફોર સીતાજી સુધીની એબીસીડી, ૨૨ સુધી ઘડિયા અને ૮ જેટલા સંસ્કૃત મંત્રો સાથે લખતા-વાંચતા શીખી ચૂક્યા છે.આ નિશાળમાં નિયમિત સ્વરૂપે શિક્ષણ કાર્ય સાથે જે તે દિવસની નિયત પ્રવૃત્તિ કરાવી ગરમ ગરમ પૌષ્ટિક ભોજન (ગાયના દૂધ) સાથે આપવામાં આવે છે.
નિશાળમાં અઠવાડિયાની રવિવારની એક રજા હોય છે અન્ય કોઈ સરકારી રજાઓ કે વેકેશન નથી હોતું. નિશાળમાં વિદ્યાર્થીઓને ભાઈબંધ અને શિક્ષકને ગુરુજી તરીકે સંબોધવામાં આવે છે. ભાઈબંધોને લાવવા લઈ જવા માટે સ્કૂલ રિક્ષાની વ્યવસ્થા સાથે દરેક વિદ્યાર્થીને યુનિફોર્મ, સ્કુલબેગ, વોટરબોટલ આવશ્યક અભ્યાસ સામગ્રી તેમજ ૧ જોડી પસંદગીના પગરખાં નિયમિત સ્વરૂપે આપવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને તેઓની આવડત અને કૌશલ્ય અનુસાર પસંદગીના કાર્યો સાથે જોડવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. આ નિશાળના સ્થાપક, સંચાલક, શિક્ષક, આચાર્ય, પટ્ટાવાળા, ક્લાર્ક અને સફાઈ કામદાર સહિત તમામ કામગીરી ૧મેન આર્મી માફક ડો.ઓમ ત્રિવેદી પોતે કરી વિદ્યાદાન કરી રહ્યા છે. આજ સુધીમાં રાજ્યની યુનિવસટીઓના કુલપતિઓ સહિત અનેક અધિકારીઓ,પદાધિકારીઓ, રાજકીય, સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા અગણિત મુલાકાતીઓ નિશાળની પ્રત્યક્ષ મુલાકાત લઈ આશીર્વાદ આપી ચૂક્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિત અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા આ અનોખી શિક્ષણ પ્રવૃતિ બદલ ડો.ઓમ ત્રિવેદી નું સન્માન પણ કરવામાં આવેલ છે. નિશાળની સમગ્ર પ્રવૃત્તિ શ્રેીઓ તથા નામી અનામી દાતાઓના સહયોગથી ચાલિ રહી છે.