Sihor
ચૈત્રમાં અષાઢ ; બપોરના સમયે સિહોર અને પંથકમાં ધોધમાર વરસાદ
ગૌતમ જાદવ
આકરા તાપને બદલે સૂર્ય નારાયણ અદ્રશ્ય : આકાશમાં ઘટાટોપ વાદળો : વિજળીના કડાકા ; ચોમાસા જેવો માહોલ ; જિલ્લામાંથી હજુ પણ માવઠાંનો માહોલ વિદાય લેવાનું નામ લેતો નથી
કેટલાંક દિવસોથી હવામાન પલ્ટા તથા વરસાદી વાતાવરણ વચ્ચે સિહોરમાં આજે સતત પાંચમા દિવસે અષાઢી ચોમાસા જેવો વરસાદ ખાબકયો હતો. કાળાડીબાંગ આકાશમાં વિજળીના કડાકા ભડાકા સાતે મૂશળધાર વરસાદ વરસતા માર્ગો પર પાણી રેલાયા હતા.એટલુ જ નહિં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા જેવી હાલત થઈ હતી. ચૈત્ર મહિનો સામાન્ય રીતે આકરા ઉનાળાનો હોય છે.પરંતુ આજે ચૈત્રનાં દિવસે જ સિહોરના આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાયા હતા અને સૂર્ય નારાયણ અદ્રશ્ય બન્યા હતા.બપોરે એકાએક ધોધમાર વરસાદ શરૂ થઈ જવા સાથે ઠંડક પ્રસરી ગઈ હતી. ધોધમાર વરસાદને કારણે માર્ગો પર રહેલા સેંકડો લોકો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા અને ભીંજાયા બચવા માટે આશરો શોધવા દોડધામ કરી મુકી હતી.
એકાએક વરસાદ ખાબકતા વિવિધ વિસ્તારોમાં મસાલા માર્કેટ જેવી બજારોનાં વેપારીઓને પણ માલ પલળતો રોકવા માટે દોડધામ કરવી પડી હતી. હવામાન ખાતા દ્વારા માવઠા વરસવાની આગાહી કરી જ હતી. પરંતુ ચોમાસા જેવો ધમધોકાર વરસાદ વરસતા અને ઠેકઠેકાણે પાણી ભરાતા લોકો પણ આશ્ચર્યચકીત બન્યા હતા. ધોધમાર વરસાદ થતાં ઉભા પાક ચણા, ઘઉં, જીરૂ, કેરીને નુકશાન થવાની ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. જ્યારે માર્ચમાં માવઠાંએ ખેડૂતો ઉપરાંત પ્રજાપતિ સમાજની પણ માઠી બેસાડી હોય, તાલુકામાં આવેલી ઈંટની ભઠ્ઠીઓમાં કમોસમી વરસાદને કારણે ઈંટો પલળીને ગારો થઈ જતાં નુકશાની વેઠવી પડી હતી.