Gujarat
વધુ એક મહામંત્રીએ ભાજપ સાથે ફાડ્યો છેડો, પ્રદીપસિંહ વાઘેલાએ આપ્યુ રાજીનામું
ભાજપમાંથી વધુ એક મહામંત્રીએ રાજીનામું આપી દીધુ છે. અગાઉ ભાર્ગવ ભટ્ટ પાસે રાજીનામું માગી લેવામાં આવ્યું હતું. હવે પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યુ છે. પ્રદીપસિંહના રાજીનામાથી રાજકારણમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. સૌથી પહેલા તો તેમણે રાજીનામું આપ્યુ કે માગી લેવામાં આવ્યુ તે અંગે સવાલો ઊભા થઇ રહ્યા છે.
ભાજપ સાથે ઘણા સમયથી સંકળાયેલા છે પ્રદીપસિંહ વાઘેલા
પ્રદીપસિંહ વાઘેલા ઘણા સમયથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમણે પાર્ટીને ઊભી કરવા માટે તેમનો ઘણો સમય ફાળવેલો છે. જો કે તાજેતરમાં ભાજપમાં ઘણા બદલાવ થયા છે. વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠક મળ્યા બાદ જિલ્લા પ્રમુખો બદલવામાં આવ્યા છે. ભાર્ગવ ભટ્ટનું રાજીનામુ પણ અચાનક લેવામાં આવ્યુ હતુ. ભાર્ગવ ભટ્ટના સમયમાં વડોદરાની ફરિયાદોને આધારભૂત બનાવી રાજીનામુ માગી લેવામાં આવ્યુ હતુ. હજુ પણ તે ખાલી જગ્યામાં નિમણુક કરવામાં આવી નથી.
રાજીનામુ સ્વીકારાઇ ગયુ હોવાની સૂત્રોની માહિતી
પ્રદીપસિંહ વાઘેલાની વાત કરવામાં આવે તો તેઓ મહામંત્રી હતા અને તેમણે એક સપ્તાહ પહેલા જ રાજીનામું આપી દેવાની વાત સામે આવી છે. જો કે આ રાજીનામું સ્વીકારાયુ કે નથી તે સ્વીકારાયુ તેની જાણ સત્તાવાર રીતે આજે થઇ શકે છે. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તેમનું રાજીનામું સ્વીકારાઇ ગયુ છે.સાથે જ તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યુ હોવાનું પણ જાણવા મળ્યુ છે. જો કે હજુ પણ રાજીનામાને લઇને તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. પ્રદીપસિંહ પાસેછી રાજીનામું માગવામાં આવ્યુ કે જાતે આપ્યુ તે અંગેની હજુ કોઇ પુષ્ટિ થઇ નથી.
હજુ સુધી પ્રદીપસિંહ વાઘેલા સામે કોઇ આક્ષેપ બહાર નથી આવ્યા. જેથી કહી શકાય કે તેમની પાસેથી રાજીનામુ માગી લેવામાં આવ્યુ છે. પ્રદીપસિંહે પોતે પણ એક સપ્તાહ પહેલા રાજીનામું આપ્યુ હોવાનું જણાવ્યુ છે. સાથે જ તેમણે પોતે અંગત કારણોસર રાજીનામું આપ્યુ હોવાનું જણાવી રહ્યા છે.